સુરતઃ મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી સુરત કોર્ટે જામીન આપી દીધા છે. હવે આ આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે, જ્યારે બે વર્ષની સજાની અરજી પર ત્રીજી મેએ કોર્ટ સુનાવણી કરશે. મોદી સરનેમ ટિપ્પણી પર માનહાનિ મામલે સજા સંભળાવ્યાના 11 દિવસ પછી સોમવાર (ત્રીજી એપ્રિલ, 2023)ને રાહુલ ગાંધી સુરત સેશન કોર્ટમાં અપીલ કરવા પહોંચ્યા હતા. હાલ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં નીકળી ગયા છે. કોંગ્રેસી કાર્કર્તાઓએ રાહુલ ગાંધી જિંદાબાદનો સૂત્રોચ્ચાર કર્યો હતો.
સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ‘મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને રૂ. પંદર હજારના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યાં છે. સુરક્ષાને પગલે પોલીસ દ્વારા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના મહિલા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. તો રાહુલ ગાંધીના સમર્થનમાં મુંબઈથી પણ કોંગ્રેસના કાર્યકરો આવ્યા છે.રાહુલ ગાંધીની સજા પર સ્ટે પરની વધુ સુનાવણી 13 એપ્રિલે હાથ ધરાશે.
રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે આજે કોર્ટની પ્રોસીજર માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા. જેમાં તેમને કોર્ટ દ્વારા સજા પર સ્ટે મૂકવાની વધુ સુનાવણી 13મી સુધી રાખવાની સુનાવણીની તારીખ આપવામાં આવી છે. જ્યારે ફરિયાદ પક્ષ દ્વારા 10મી અપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે.