PMના હોમ સ્ટેટમાં 28મીએ રાહુલ,સોનિયા અને પ્રિયંકાની જનસંકલ્પ રેલી, સુરક્ષા…

અમદાવાદ- આગામી 28 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ આવી રહ્યાં છે. તેઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને એસપીજીની ટીમે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે.  આગામી 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઇ રહી છે. વર્ષ 1961 પછી 58 વર્ષ બાદ ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટીની બેઠક યોજાવા જઈ રહી છે. ગાંધી અને સરદારની ભૂમિ પર આ બેઠક યોજવાની છે.

આ સાથે જ 28મી ફેબ્રુઆરીએ ગાંધીનગરના ત્રિમંદિર ખાતેથી જન સંકલ્પ રેલી કરીને કોંગ્રેસ શક્તિ પ્રદર્શન પણ કરવા જઇ રહી છે. ત્યારે જન સંકલ્પ રેલી સ્થળ અડાલજ ખાતે સ્થાનિક પોલીસ અને એસપીજીની ટીમ પહોંચી છે. સુરક્ષા સંબંધિત જીણવટભરી ચર્ચા કરી રહી છે. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ચારથી વધુ એસપીજી પ્રોટોકોલ વાળા નેતાઓ સામેલ થવાના છે.


જન સંકલ્પ રેલીની તૈયારીઓ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ રેલીને સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા સંબોધશે. ત્રણેય નેતાઓ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પણ આ રેલીને સંબોધન કરશે.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, આ રેલીમાં ખેડૂતોના દેવા માફી, યુવાનોને રોજગારીનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે. એટલું જ નહીં આ રેલીમાં કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. હાલ આ અંગે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીના ભાગરૂપે જ એસપીજીની ટીમ તપાસ માટે અહીં આવી છે. દેશની સ્થિત બદલવા માટે સીવીસીની બેઠક અહીં રાખવામાં આવી છે.

આ માટે સવારે નવ વાગ્યે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું એરપોર્ટ આગમન થશે. ત્યાંથી તમામ નેતાઓ ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં જશે. ત્યાંથી શહિદ સ્મારક ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સરદાર બાગ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે અને બાદમાં અડાલજ ખાતે મહાસભામાં હાજરી આપશે. જેમાં કોંગ્રેસના તમામ નેતાઓ અને વરિષ્ઠ નેતૃત્વ એક મંચ પર હાજર હશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યોજાતી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આ વખતે અમદાવાદમાં મળી રહી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવાથી માંડીને વિપક્ષ તરીકે કેવી ભૂમિકા અદા કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવનાર છે. કોંગ્રેસે પક્ષ ઉપરાંત ચૂંટણીની ચર્ચા કરવા મોદીના હોમસ્ટેટ ગુજરાતની પસંદગી કરી છે.