આગામી 2 દિવસમાં કચ્છ સહિતના કેટલાક ભાગોમાં માવઠાંની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી જાહેર કરતાં જ ખેડૂતો સહિત માછીમારોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. કચ્છમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવા અંગે સુચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે રાજસ્થાનમાં સર્જાયેલા અપર સાઈક્લોનિક સર્કયુલેશનની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. આમ અમદાવાદમાં પણ બેવડી ઋુતુની સીધી અસર બે દિવસમાં જોવા મળી શકે છે.

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હાલમાં થોડું ઓછું થયું છે પરંતુ હવામાન વિભાગે ઠંડી વધવાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકવાની આગાહી કરી છે. ઠંડીની સાથે સાથે પવનની ગતિ પણ ભારે રહેશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.

ઠંડીની સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેનાં કારણે બનાસકાંઠા, કચ્છમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

વરસાદ પડે તો ખેડૂતોનાં ઉભા પાકને પણ નુકસાન થઈ શકે છે. તો ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને 48 કલાક દરિયો ન ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે. તો મહત્વનું છે કે આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે.

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જામનગર શહેરમાં કમોસમી માવઠાનું વાતાવરણ સર્જાયું છે. સતત ત્રીજા દિવસે જામનગર શહેરમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી જળવાયેલું રહ્યું છે. ગત રાત્રિનાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

જામનગર શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાદળો છવાયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે માવઠું થાય તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા તેમજ પવનની ગતિ પ્રતિ કલાક પ.૬ કિ.મિ. નોંધાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસોમાં ઠંડીના એક રાઉન્ડની આગાહી કરી છે.