પરેશ ધાનાણીનો સરકારને સવાલઃ મગફળી સરકારી ગોડાઉનમાં જ કેમ સળગે છે?

ગાંધીનગર– ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. બિટકોઈન અને સરકારી ગોડાઉનમાં મગફળી સળગી જવાના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે બીટકોઇન કાંડ અંગે સણસણતા સવાલો ભાજપ સરકાર સામે ઉઠાવ્યા હતા. રક્ષક જ ભક્ષક બને જયારે પ્રજાને લૂંટી તો પ્રજાની પીડાનો ઉકેલ કેવી રીતે આવશે એક કહેવતને ટાંકતા જણાવ્યું હતું કે, વાડ ચીભડા ગળે તેમ પ્રજાના હકકોની સુરક્ષા કરવાની જવાબદારી હતી તેવા જ લોકોએ ખાખી વર્દીને કાળો દાગ લગાડી અઢારમી સદીની બહુમતીઓને શરમાવે તેવી રીતે કરોડો રૂપિયાની લુંટ ચલાવવાનું ષડયંત્ર રચ્યું. યોજનાને અમલમાં મુકી અને બીટકોઇન કાંડ બજારમાં આવ્યું.

ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે કીમતી મિલ્કતો જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર ભાજપ સરકારની મીઠી નજર તળે સમગ્ર ગુજરાતમા઼ ચાલી રહયું છે. પ્રજા ઇચ્છી રહી છે કે કાયદાના રક્ષકો કાયદાનું પાલન કરે અને કરાવે. સામાન્ય માણસને ન્યાય અપાવે. પરંતુ આજે આવી આશા ભાજપના શાસનમાં ઠગારી નીવડી છે. કારણ કે કાયદા બનાવનારા, કાયદા ધડનારા, કાયદો તોડી કાયદાનો ભંગ કરવાનાં અધિકારો ધરાવતા નથી છતાં જાણી જોઇને કાયદાનો ભંગ કરવામાં આવી રહયો છે.

બીટકોઇન મામલો જોઇએ તેટલો કે વર્તમાન સમયે બહાર આવેલ સમાચાર પુરતો સિમિત નથી, તેનાં મુળ ઉંડા છે તેમાં ઇમાનદારીથી તપાસ થશે તો અબજો રૂપિયાનાં કૌભાંડ સાથે સત્તાપક્ષનાં મુળીયા પણ હચમચી જશે. આ પ્રકરણ દબાવવાની કોશીષ હજી પણ થઇ રહી છે. પરંતુ તપાસનીસ અધિકારીઓ રાજકીય દબાણમાં આવ્યા વગર તપાસ આગળ ચલાવશે તેવી આશા રાખીએ. ઇમાનદાર અધિકારીઓના કારણે આઇ.પી.એસ.કક્ષાનાં વ્યકિતને જેલનાં સળીયા પાછળ જવું પડયું છે. અત્યાર સુધીની તપાસ તો માત્ર ટ્રેલર છે. પુરી ફીલ્મ ઇમાનદાર અધિકારીઓ બતાવશે જ આ તપાસ દબાઇ શકી નથી તેનો શ્રેય આપવો હોય તો પત્રકાર મિત્રોને આપી શકાય, નિડરતાથી અને લોભ લાલચમાં આવ્યા વગર પ્રજા સમક્ષ સૌને ખુલ્લા પાડી દીધા છે.

ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળી ટેકાનાં ભાવે ખરીદી મહા કૌભાંડ આચરી કરોડો ધર ભેગા કરીને ભાજપ સમર્થક સહકારી સંસ્થાઓ અને ભાજપનાં ગોડાઉન ભાડે આપનારા ગોડાઉનોમાં માટી-ઢેફા અને નબળી ગુણવત્તાવાળી મગફળી ઠાલવી, ચૂંટણીઓ વિત્યે ચૂંટણી વખતમાં આચરેલો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલા માટે પહેલા ગાંધીધામ પછી ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગરનું હાપા હવે મુખ્યમંત્રીના વિસ્તારમાં મગફળી સળગાવી દેવાઇ. સરકારી તંત્ર સામે પગલા લેવાને બદલે ગોડાઉન માલીક સામે પગલા લેવાઇ રહયા  છે.

ધાનાણીએ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં બનાસકાંઠામાં મહાપુર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હતો, છતાં આ કૌભાંડીઓએ બનાસકાંઠામાંથી મગફળી ખરીદીનાં બિલો બનાવ્યા. સામાન્ય માણસને પણ પ્રશ્ન થાય કે બનાસકાંઠામાં મગફળી આવી કયાંથી? ખરેખર તો નબળી ગુણવત્તાવાળી ધુળ ઢેફાવાળી મગફળી મોટા માથાઓના ગોડાઉનોમાં તૈયાર કરીને રાખવામાં આવી હતી. જયારે સાચા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી નથી. અહીં ભય વગર આયોજનબધ્ધ કૌભાંડ થયું  છે.

લોકોનું સરકારનાં ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવા, અને લોકોને કાર્યરત રાખવા લોકોનાં શ્રમયજ્ઞથી જળ સંચયની કામગીરી શરૂ કરી છે. પરંતુ લોકો તરફથી મળેલા કરવેરાના કરોડોનાં નાણા જેમાંથી જળસંચયની કામગીરી કરવાની હતી. તેનાં કરોડો રૂપિયા ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમમાં ચવાઇ ગયા.

ભાજપનાં રર વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ન આવત, તરસ લાગી ત્યારે કુવો ખોદવા જવું ન પડે. ર૦૧૬માં હજારો ચેક ડેમો, ૧,રપ,પ૪૯ બોરીબંધ, ર,૬૧,૯૮૮ જેટલી ખેત તલાવડી-સીમ તલાવડીનાં નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કાગળ ઉપર ખતવાયા અને કમલમમાં ઠલવાણા છે. આ જળ સંચયના અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રીશ્રીને મારી ચેલેન્જ છે કે તમારી સરકારે બનાવેલા સવા લાખ બોરીબંધમાંથી એક પણ બોરીબંધ હયાત બતાવે તો હું રાજીનામુ઼ં આપી દઉં નહીંતર મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી રાજીનામું આપે તેવી ચેલેન્જ પણ આપી હતી. આ કામોમાંથી ખેત તલાવડીનાં બીલ ખતવવામાં આવ્યા છે પરંતુ ૧૦ ટકા પણ સ્ટ્રકચર ઉપલબ્ધ નથી.