શીલાબહેન મોદીની સ્મૃતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો

અમદાવાદઃ શીલાબહેન મોદીની સ્મૃતિમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નિર્માણ કરેલા ટેમ્પલ તીર્થ  સનાતન ધર્મ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. તેઓ તેમના પતિ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ઇન્દ્રવદન મોદી માટે પ્રેરણાનો સતત સ્રોત અને તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા બજાવતાં રહ્યાં હતાં. શીલાબહેન કંપનીનાં પ્રથમ કર્મચારી હતાં અને ત્યાં પ્રોડકટસ ધોવાનું તથા ટેબલ પર પ્રોડક્ટસ ગોઠવવાનું કામ કરતાં હતાં. આ સ્મૃતિ સ્થાન તેમના જીવનને સાચી અંજલિ સમાન છે.

આ  સનાતન ધર્મ મંદિર અને સ્મૃતિ સ્થળ શીલાબહેનના જીવનને અંજલી સમાન છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી જણાવે છે કે શીલાબહેન મોદી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતાં. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે પોતાના રોગોને કારણે ઘણી વખત પ્રવૃત્તિઓ મર્યાદિત કરી હતી, પરંતુ તે પ્રાર્થના કરતાં હતાં અને મંદિરની શક્ય તેટલી મુલાકાત લેતાં હતાં. ટેમ્પલ તીર્થ તેમને સાચી અંજલિ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અને તે પછી 11થી 13 માર્ચમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.

આ સ્થળે 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ આઠ દિશામાં આઠ દિગ્પાળનો જીવંત અનુભવ પૂરો પાડીને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં પવિત્ર નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીનું પ્રતિનિધિત્વ કરતા પવિત્ર જલકુંડનું નિર્માણ કરાયું છે. આ સ્થળ શરીર, મન અને આત્માને શાંતિ આપતા સ્થળ તરીકે વિકસાવાયું છે.

આ મંદિર શાંતિવનનો આંતરિક હિસ્સો છે અને તે શીલાબહેન મોદીની 87 વર્ષના જીવનની પવિત્ર ઝલક સમાન છે. અહીં 87 સ્થંભ ઉપર ઇન્દ્રવદન મોદીએ તેમના જીવનમાં અનુસરેલા ભગવદગીતાના શ્લોકોનુ  કલાત્મક રીતે કોતરવામાં આવ્યા છે. આ સ્થળે રામાયણ અને મહાભારતના વિવિધ યાદગાર પ્રસંગોની ઝલક આપે તેવી શિલ્પકૃતિઓની રચના કરવામાં આવી છે.

આ સ્થળ 15 હેકટર વિસ્તારમાં પથરાયેલું છે અને તેમાં ઇન્દ્રશીલ શાંતિવન, તીર્થ, મ્યુઝિયમ, વન અને ગેસ્ટહાઉસનો સમાવેશ થાય છે. ઇન્દ્રશીલ શાંતિવનનો વિસ્તાર 1.91 હેકટર છે અને શાંતિવન મ્યુઝિયમ 1.36 હેકટર વિસ્તારમાં પથરાયેલુ છે. ઇન્દ્રશીલ તીર્થ 4.42 હેકટર વિસ્તાર ધરાવે છે.