PM ગુજરાતની મુલાકાતેઃ અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન, શિલાન્યાસ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રાજ્યની મુલાકાતે છે. આ મુલાકાતમાં તેઓ રાજ્યને અંદાજે રૂ. 6000 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમણે સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારે બાદ તેઓ મહેસાણામાં અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. તેઓ આવતી કાલે કેવડિયા જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાજંલિ અર્પણ કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાનનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

વડા પ્રધાન સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે, જેમાં દેશનાં 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. સાત ઓક્ટોબરથી જ આ કેડેટ્સે એકતા નગરમાં આવી તેમની કૃતિની પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેવડિયામાં તેઓ રૂ. 160 કરોડના  કેટલાક પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાનને હસ્તે રાજ્યમાં રૂપિયા 5941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.


આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમ જ શહેરી વિકાસ વિભાગનાં વિકાસકાર્યો સામેલ છે.

તેઓ મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વલસાણા બેરેજ, બનાસકાંઠા-પાલનપુર પેયજળની વ્યવસ્થા માટે બે યોજનાઓ અને ધરોઈ બંધ આધારિત પ્રોજેક્ટ સામેલ છે.  આ સાથે તેઓ ખેરાળુમાં એક સભાને પણ સંબોધન કરશે.

આ સાથે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે.