PM મોદીની ડિગ્રીવિવાદઃ કોર્ટમાંથી કેજરીવાલને ‘સુપ્રીમ’ આંચકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે PM મોદીની શૈક્ષણિક યોગ્યતા વિશે વિવાદિત ટિપ્પણીના આરોપી દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે કેજરીવાલની વિવાદિત ટિપ્પણી પર વાંધો ઉઠાવતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ માનહાનિ કેસની કાર્યવાહી પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલ સામે સમન્સ જાહેર કર્યું હતું. અરવિંદ કેજરીવાલે  તેને રદ કરાવવા માટે પહેલાં હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે તેમા દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી જ અરજી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી અને તેને આ કોર્ટે ફગાવી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે કહ્યું હતું કે ‘અમે દખલ કરવા ઈચ્છતા નથી, એક અરજદાર અમારી પાસે આવ્યો હતો અને તેની અરજીને ફગાવી દેવામાં આવી હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સંજય સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન અલગ હતું, પરંતુ બેન્ચે તેને સ્વીકાર્યું ન હતું.

આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટથી નિરાશ થયા બાદ ભૂતપૂર્વ CMએ દેશની સૌથી મોટી કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે અહીંથી પણ રાહત નહીં મળતાં તેમણે ગુજરાત કોર્ટમાં હાજર થવું પડશે.