PM મોદી બે-દિવસ રાજ્યની મુલાકાત લેશેઃ ભૂજમાં લોકાર્પણ

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોના નેતાઓની ગુજરાત મુલાકાત વધી છે, ત્યારે વડા પ્રધાન મોદી 27-28 ઓગસ્ટે રાજ્યની મુલાકાત લેવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે ભૂજમાં નવનિર્મિત અદ્યતન રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. તેઓ એ સમયે જાહેર સભાને સંબોધે એવી પણ શક્યતા છે.

ભૂજમાં આ સેન્ટર આશરે 10 એકર જમીન ઉપર રૂ. 90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જે મુલાકાતીઓની વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરશે. એ સાથે જ આ સેન્ટરને જીવન પર્યન્ત શીખવાની વૃત્તિ આગળ વધે તેવી વાઇબ્રન્ટ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સાયન્સ સેન્ટર રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા સ્મૃતિવન પાસે વિકસાવવામાં આવ્યું છે.

આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માનવીના માનસ પર વૈજ્ઞાનિક અભિગમ ઊભો કરી વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવાની સાથે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરિત કરવાનો છે. અહીં કચ્છ-ભુજની ભૌગોલિક પરીસ્થિતિને આધારે છ પ્રકારની વિવિધ થીમ આધારિત ગેલેરી વિકસાવવામાં આવી છે.

આ સેન્ટરમાં ગેલેરીઓ ઉપરાંત લોકોના મનોરંજન માટે સબમરીન સિમ્યુલેટર, મરિન નેવિગેશન સિમ્યુલેટર, 3D થિયેટર, સોલાર ટ્રી, ફીબોનાચી સિદ્ધાંત આધારિત સ્કલ્પ્ચર, બાળકોને રમવા માટે નેનો ટનલ, પી.એસ.એલ.વી. રોકેટ મોડેલ, બોન્સાઈ ગાર્ડન અને વર્કશોપ જેવી અદ્યતન સુવિધાઓનો મુલાકાતીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સંશોધકોને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળી રહેશે. આખા કેન્દ્રની ફરતે વિજ્ઞાનની થીમ આધારિત ઉદ્યાન વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં આઉટડોર પ્રદર્શનનો આનંદ પણ માણી શકાશે. આ સાયન્સ સેન્ટર કચ્છ જિલ્લામાં વિજ્ઞાન અને તકિનકી આધારિત ઇનોવેશનનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત વર્ષમાં જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.