ગહેલોતનું રાજ્યમાં ‘રાજસ્થાનનું મોડલ’ લાગુ કરવાનું ચૂંટણી વચન

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના રહ્યા છે, ત્યારે આપ પાર્ટી પછી કોંગ્રેસે પણ મતદારોને આકર્ષવાના પ્રયાસ કરવા માંડ્યા છે. કોંગ્રેસે ચૂંટણીના નિરીક્ષકો રાજ્યસભાના સાંસદ કે. સી. વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર માછલાં ધોયાં હતાં. રાજ્યમાં ભાજપની ભ્રષ્ટ સરકાર હોવાથી કેન્દ્રએ રાજ્ય સરકારને બદલી નાખી હતી, એમ વેણુગોપાલે કહ્યું હતું, જ્યારે ગહેલોતે કહ્યું હતું કે રાજ્ય સરકારમાં બધું સમુસૂતરું નથી. જો હોત તો આખેઆખી સરકાર બદલાઈ ના હોત.

તેમણે રાજ્યમાં રાજ્યમાં રાજસ્થાનનું હેલ્થ મોડલ લાગુ કરવાનું ચૂંટણી વચન આપ્યું હતું. તેમણે મતદારોને આકર્ષવા અનેક ચૂંટણી વચનો આપ્યાં હતાં. દરમ્યાન કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ પાંચ સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેવાના છે

કોંગ્રેસે મતદારોને આકર્ષવા આપેલાં ચૂંટણી વચનો નીચે મુજબ છે.

  • જૂની પેન્શન સ્કીમ 1 જાન્યુઆરી, 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
  • મુખ્ય મંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. પાંચ લાખનો અકસ્માત વીમો.
  • MRI, સિટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ અને કોવિડ ટેસ્ટ સહિતનાં તમામ પરીક્ષણો મફત રહેશે.
  • માનવ અંગો (કિડની, લિવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઇમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઇમ્પ્લાન્ટ વિનામૂલ્યે
  • કૃષિ વીજજોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસિડી
  • દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ. પાંચની સબસિડી
  • ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના
  • કોવિડમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને આર્થિક સહાયરૂપે રૂ. 50,000

આ સિવાય કોંગ્રેસની સરકાર આવશે રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસના નિરીક્ષકો કે.સી. વેણુગોપાલ અને અશોક ગહેલોતે ધારાસભ્યોને ઠમઠોર્યા હતા અને ચેતવણી પણ આપી હતી. તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સક્રિયતા વધારવા સૂચના આપવામાં આવી હતી. તેમણે ધારાસભ્યો પાસે કામનો હિસાબ માગ્યો હતો. લઠ્ઠાકાંડ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ન કરનારને ઠપકો પણ આપ્યો હતો. AAPને લઈ અશોક ગેહલોતે ધારાસભ્યોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે સક્રિય નહીં તો પતી જશો તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.