મુખ્ય મંત્રીએ રવિશંકર આર્ટ ગેલેરીમાં ‘ફોટો પ્રદર્શન’ ખુલ્લું મૂક્યું

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’એ રવિશંકર આર્ટ ગેલેરીમાં ફોટો એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. આ ‘ફોટો પ્રદર્શન’ ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે આ તસવીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. તેમણે કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસવીરોની યાદગાર ક્ષણોને બિરદાવીને ફોટોગ્રાફરોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

શહેરમાં લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસવીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

આ એસોસિયેશનમાં અમદાવાદનાં જુદાં-જુદાં ન્યૂઝપેપરો, સામયિકો અને સમાચાર સંસ્થાઓ સાથે સંકળાયેલા ફોટો જર્નાલિસ્ટ સંકળાયેલા છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ કલાકથી રાત્રે ૮ કલાક સુધી ખુલ્લું રહેશે.

આ ‘ફોટો એક્ઝિબિશન’માં શ્રેષ્ઠ તસવીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા અનુક્રમે અમિતભાઈ દવે, શૈલેશ સોલંકી અને ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઇઝ મેળવનાર તસવીરકારોને મુખ્ય મંત્રીના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા.

આ ફોટો પ્રદર્શનના શુભારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  હિતેશ બારોટ, ભાજપના શહેરપ્રમુખ અમિતભાઈ શાહ અને  ધારાસભ્ય રાકેશભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશનના સભ્યોએ ‘વિશ્વ ફોટોગ્રાફી ડે’ની ઉજવણીના ભાગરૂપે યોજેલું આ તસવીરોનું પ્રદર્શન કોરોના કાળમાં અવસાન પામેલા સાથી ફોટો જર્નાલિસ્ટ શૈલેશ રાવલ તેમ જ તમામ કોરોના વોરિયર્સને સમર્પિત કર્યું છે.

 (પ્રજ્ઞેશ વ્યાસ)