સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં મુંબઈ-મેટ્રોનું કામ અટકાવ્યું

મુંબઈઃ સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે સુનાવણીની નવી તારીખ સુધી મુંબઈના ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરના આરે કોલોની વિસ્તારમાં મુંબઈ મેટ્રોનું કોઈ પણ પ્રકારનું કામકાજ બંધ રાખવું. કોર્ટે આ કેસમાં આવતા મંગળવારે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે,મુંબઈ મેટ્રો લાઈન-3 દક્ષિણ મુંબઈના કફ પરેડ-કોલાબાથી સીપ્ઝ (સાંતાક્રૂઝ ઈલેક્ટ્રોનિક્સ એક્પોર્ટ પ્રોસેસિંગ ઝોન, અંધેરી પૂર્વ) સુધીની છે. આ લાઈન ચર્ચગેટ, સીએસએમટી સ્ટેશન, સિદ્ધિવિનાયક દાદર, ધારાવી, બીકેસી, ડોમેસ્ટિક એરપોર્ટ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, એમઆઈડીસી, સીપ્ઝ સુધીની છે. આ મેટ્રો લાઈન માટેનો કાર-શેડ (યાર્ડ) આરે કોલોનીમાં બાંધવાનું નક્કી કર્યું છે. પરંતુ આરે જંગલ વિસ્તારમાં પર્યાવરણ રક્ષણાર્થે યાર્ડ ન બનાવવા માટે કેસ કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે આરે કોલોનીમાં મેટ્રો કાર-શેડ હટાવીને કાંજુરમાર્ગમાં સરકારી જમીન પર બાંધવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકારે આરે કોલોનીમાં જ કાર-શેડ બાંધવાની હિલચાલ શરૂ કરી છે.