PM મોદીએ પટેલ સમાજની હોસ્ટેલનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ કર્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલના પહેલા તબક્કાનું ભૂમિ પૂજન કર્યું હતું. આ હોસ્ટેલમાં 1500 વિદ્યાર્થીઓના રહેવાની સુવિધા હશે. એની સાથે એક સભાગૃહ અને પુસ્તકાલય પણ એમાં બનાવવામાં આવશે. આ સાથે બીજા તબક્કામાં આગામી વર્ષે અહીં 500 વિદ્યાર્થિનીઓને રહેવા માટે એક હોસ્ટેલ બનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં રૂ. 200 કરોડના ખર્ચે હોસ્ટેલનું નિર્માણ થશે.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે આ પહેલથી સૌરાષ્ટ્ર પટેલ સમાજ યુવાઓને એક નવી દિશા આપશે અને તેમનાં સપનાં પૂરાં કરવામાં મદદ કરશે. આ હોસ્ટેલનું બાંધકામ બે તબક્કામાં 2024 સુધી પૂરું થઈ જશે.

આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન સહિત વિવિધ પ્રધાનો પણ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 1983માં એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન છે. આ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં મદદ કરવાની સાથે-સાથે તેમની મહેનત અને કૌશલ વિકાસ માટે એક મંચ પ્રદાન કરે છે.