અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર રાજ્યની મુલાકાતે આવવાના છે. તેઓ 19-20 ઓક્ટોબરે રાજ્યની મુલાકાતે આવવાના છે. તેઓ તેમની મુલાકાતમાં રાજ્યને રૂ. 15,670 કરોડની વિવિધ વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. વડા પ્રધાન ઓફિસમાંથી જારી થયેલા એક નિવેદનમાં આ માહિતી મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન મોદી 19 ઓક્ટોબરે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સંમેલન અને પ્રદર્શના કેન્દ્રમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ મિશન સ્કૂલસ ઓફ એક્સલેન્સનો પ્રારંભ કરશે. વડા પ્રધાન જૂનાગઢમાં વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. વડા પ્રધાન મોદીની મુલાકાત દરમ્યાન કુલ રૂ. 15,670 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.તેમના હસ્તે નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં રૂ. 546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવપુરમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામનાં વિકાસકાર્યો અને કુતિયાણા જૂથ ભાગ-2 પાણીપુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં માઢવાડ, સૂત્રાપાડા અને વેરાવળની રૂ. 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડા પ્રધાન સાંજે છ કલાકે રાજકોટમાં શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવનું ઉદઘાટન કરશે. આ આયોજન બધા સ્ટેકહોલ્ડરો ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત મોટા પાયે ટેક્નોલોજીની સામગ્રી અને પ્રક્રિયાના વિવિધ વિકલ્પો પર વિચારવિમર્શ કરવા માટે એક મંચ પ્રદાન કરશે. આ આયોજનમાં 200થી વધુ ટેક્નોલોજી પ્રોવાઇડર્સ ભાગ લેશે અને ઉત્પાદનો દર્શાવવાની સંભાવના છે. વડા પ્રધાન 20 ઓક્ટોબરે કેવડિયામાં મિશન લાઇફનો પ્રારંભ કરશે. ત્યાર બાદ તેઓ વ્યારામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોની આધારશિલા મૂકશે.