ડિફેન્સ એક્સપોને કારણે અમદાવાદીઓમાં ભારે જિજ્ઞાસા

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોની શરૂઆત થઈ ગઈ છે. 18 ઓકટોબરથી 22 ઓક્ટોબર સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો પહેલાં દરરોજ બપોરથી સાંજ સુધી સૈન્યના જવાનો આકાશ અને પાણીમાં રિહર્સલ કરી રહ્યા છે. શહેરના રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજથી સરદાર બ્રિજ જમાલપુર –પાલડી વિસ્તારો સતત વ્યસ્ત થઈ ગયા છે.

છેલ્લા કેટલાક દિવસથી ચાલતી સશસ્ત્ર દળોની કવાયતથી આખાય વિસ્તારમાં સેનાના સાહસ અને રોમાંચથી લોકો પ્રભાવિત થયા છે.આ પહેલાં ડિફેન્સ એક્સપો માર્ચમાં યોજાવાનો હતો, પણ એ સમયે મુલતવી રહેલો ડિફેન્સ એક્સપો 22 ઓક્ટોબર સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલશે.ડિફેન્સ એક્સપો સાથે સંકળાયેલા સૈન્ય અને સરકારના તમામ વિભાગો કામે લાગી ગયા છે.

આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના સહિત ભાગ લઈ રહેલા સંરક્ષણ દળોના જવાનો અધિકારીઓનો મોટો ખડકલો રિવરફ્રન્ટની બંને તરફ જોવા મળી રહ્યો છે. જેથી લોકોમાં ભારે કૂતુહલ અને જિજ્ઞાસા છે.

એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટર, પેરાશુટ દ્વારા અમદાવાદના આકાશમાં કરતબ બતાવી રહ્યા છે, જે જોઈને શહેરવાસીઓ ઉત્સાહનો માહોલ છે.  સાબરમતી નદીમાંથી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીના જીવંત અને દિલધડક  કરતબ સંરક્ષણ દળોના જવાનો બતાવી રહ્યા છે. આકાશ અને પાણીમાં ડિફેન્સ એક્સ્પોમાં થતી  કાર્યવાહી જોવા શહેરના અટલ બ્રિજ અને જમાલપુર બ્રિજ પૂર્વ તરફના રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)