પીએમ મોદીએ ટ્વીટ કરીને નવસારીના બીજેપી સાંસદ સી.આર. પાટીલની કામગીરીને બિરદાવી

સુરત – દક્ષિણ ગુજરાતના નવસારીના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય સી.આર. પાટીલને ગર્વ થાય અને એમના પ્રશંસકોને આનંદ થાય એવી શાબ્દિક શાબાશી બીજા કોઈ નહીં, પણ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે.

સી.આર. પાટીલે પોતાના કાર્યક્ષેત્ર નવસારીના અંતરિયાળ, ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરેલા અમલીકરણ અને એ પછી લાભાર્થીઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોની વડાપ્રધાન મોદીએ સહર્ષ નોંધ લીધી છે અને દેશના અન્ય સાંસદોને સી.આર. પાટીલની જેમ કામગીરી કરવા માટે સૂચન કર્યું છે.

સી.આર. પાટીલે કેન્દ્ર સરકારની ‘ઉજ્જવલા યોજના’નાં લાભાર્થી પરિવારે વ્યક્ત કરેલા પ્રતિસાદનો વિડિયો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવાનું અન્ય સાંસદોને સૂચન કર્યું છે.

વડાપ્રધાન મોદી જો કોઈ ટ્વીટ કરે તો એ હજારો લોકો માટે માર્મિક બની જતું હોય છે. પણ આજે વડાપ્રધાને નવસારીના સાંસદ અને ગુજરાત બીજેપીના વગદાર નેતા સી.આર. પાટીલની કામગીરીને રેફરન્સ આપતી બે ટ્વીટ કરી છે.

સી.આર. પાટીલે પોતાના મતવિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડ્યો છે અને ત્યારબા લાભાર્થી પરિવારોના પ્રતિભાવોનો વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડિયો પરથી જાણી શકાય છે કે કેન્દ્ર સરકારની જન-સુખાકારી, કલ્યાણકારી યોજનાઓ લાભકર્તા પરિવારો માટે કેટલી હદે ઉપયોગી નિવડે છે. લાભ લેનારા છેવાડાના પરિવારોએ આ યોજના બદલ કેન્દ્ર સરકાર પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે, આશીર્વાદ આપ્યા છે.

પીએમ મોદીએ આ ટ્વીટની ગણતરીની મિનિટોમાં જ બીજી ટ્વીટ કરી હતી અને એમાં પણ તેમણે સી.આર. પાટીલની કામગીરીને બિરદાવી હતી.

સી.આર. પાટીલે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી પરિવારનાં પ્રતિસાદનો વિડિયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે.

પીએમ મોદીએ ભાજપાના સાંસદો, નેતાઓ જોગ જણાવ્યું છે કે આ પ્રકારે કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને તેમનો પ્રતિસાદ લઈને અન્ય લોકો સુધી પહોંચાડવો જોઈએ. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને મળવાનો પણ પાર્ટીનાં સાંસદોને અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકારની કામગીરીનું ખરેખર આ જ તો મૂલ્યાંકન છે, એવું એમનું કહેવું છે.

httpss://twitter.com/narendramodi/status/1058998899682222080

httpss://twitter.com/narendramodi/status/1058998146754379777