કુલદીપ, કાર્તિકના પરફોર્મન્સના જોરે ભારતે પહેલી T20I મેચમાં વિન્ડીઝને હરાવ્યું

કોલકાતા – ભારતે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે આજે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પાંચ-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

મેચ જીતવા માટે ભારતને 110 રનનો ટાર્ગેટ હતો. ભારતને પાંચ આંચકા લાગ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 6, શિખર ધવન 3, લોકેશ રાહુલ 16, રિષભ પંત 1, મનીષ પાંડે 19 રન કરીને આઉટ થયો હતો. ભારતે 8મી ઓવરમાં 45 રનમાં 4 વિકેટ ખોઈ દીધી હતી. વિકેટકીપર દિનેશ કાર્તિકે તેનો આઈપીએલનો અનુભવ કામે લગાડ્યો હતો અને 34 બોલમાં 31 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર કૃણાલ પંડ્યા 9 બોલમાં 21 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંને બેટ્સમેને ત્રણ-ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કાર્તિકે એક સિક્સર પણ ફટકારી હતી.

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે કંગાળ બેટિંગ દેખાવ કરીને 20 ઓવરમાં 8 વિકેટના ભોગે માત્ર 109 રન કર્યા હતા. પ્રવાસી ટીમ 100નો આંક પણ પાર કરી શકી ન હોત, પણ ઉમેશ યાદવની છેલ્લી ઓવરમાં 16 રન ફટકારવામાં આવ્યા હતા.

ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 13 રનમાં 3 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ વતી હાઈએસ્ટ સ્કોર કરનાર હતો ફેબિયન એલન (27, 20 બોલ, 4 ચોગ્ગા) જે આજે કારકિર્દીની પહેલી જ મેચ રમ્યો હતો.

કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

બીજી મેચ 6 નવેમ્બરે લખનઉમાં અને ત્રીજી મેચ 11 નવેમ્બરે ચેન્નાઈમાં રમાશે.

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરનાર ભારતના બે ખેલાડી – ખલીલ એહમદ અને કૃણાલ પંડ્યા