ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આજે અગત્યની જાહેરાત કરતાં રાજ્ય સરકારના વેટમાં ઘટાડો કરી દીધો છે. બપોરે દિલ્હીમાં નાણાંપ્રધાન જેટલી દ્વારા ઘટાડાની જાહેરાતમાં અપીલ કરવામાં આવી હતી કે રાજ્યો પણ વેટ ઘટાડે. જેને લઇને ગુજરાત સરકારે પણ વેટમાં ઘટાડો કર્યો છે અને હવે આજ મધરાતથી ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પાંચ રુપિયા સસ્તું મળશે.
ભારત સરકારના આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના નાગરિકોને પણ વધુ રાહત આપવા લિટરે પેટ્રોલમાં રૂ.૨.૫૦ અને ડીઝલમાં રૂ.૨.૫૦ નો ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આમ ભારત સરકાર અને રાજ્ય સરકારની બંનેની રાહત મળીને ગુજરાતમાં પેટ્રોલ લિટરે રૂ.૫ અને ડીઝલ લિટરે રૂ.૫ સસ્તુ થશે. જેનો આ જ રાતથી જ અમલ થશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતાં કહ્યુ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ક્રુડના ભાવો આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે જેના પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવો ઉત્તરોત્તર વધ્યા છે ત્યારે નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે માટે ગુજરાતના નાગરિકો વતી રાજ્ય સરકારે આભાર માન્યો છે. અને કહ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં રૂ.૨.૫૦ અને ડીઝલના ભાવમાં રૂ.૨.૫૦ નો ઘટાડો કર્યો છે. અને રાજ્યોને તેનો અમલ કરવા જણાવ્યુ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ગુજરાતના છ કરોડથી વધુ નાગરિકો, વાહનચાલકો-ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણયનો આજ થી જ અમલ કરવા જણાવ્યું છે તે મુજબ ગુજરાત સરકાર પણ પેટ્રોલમાં લિટરે રૂ.૨.૫૦ અને ડીઝલમાં પણ લિટરે રૂ.૨.૫૦ નો ઘટાડો કરશે એટલે કે, હવે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં રૂ.૫ અને ડીઝલના ભાવમાં પણ રૂ.૫ નો ઘટાડો થશે.
ગુજરાતના નાગરિકોને રાહત આપવા માટે વર્ષ ૨૦૧૭ માં પણ પેટ્રોલ-ડીઝલ પર લેવાતા વેટમાં ૪ % નો ઘટાડો રાજ્ય સરકારે કર્યો હતો. જેના પરિણામે આજે પેટ્રોલ-ડીઝલ પર ૨૦ % વેટ લેવામાં આવી રહ્યો છે. તેમાં રૂ.૨.૫૦ નો ઘટાડો થાય તે મુજબ વેટ વસૂલવામાં આવશે. આ ઘટાડો થવાના કારણે સરકારની આવકમાં આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ કરોડનો ઘટાડો થશે.