સિંહોના મૃત્યુ મામલે ઊનાના ધારાસભ્ય પૂંજા વંશે વનવિભાગ પર લગાવ્યા ગંભીર આરોપ

ગાંધીનગર- તાજેતરમાં જ ગુજરાતમાં થયેલા સિંહોના મૃત્યુ મામલે હાઈકોર્ટે પણ નોંધ લીધી છે, ત્યારે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા સિંહોના મૃત્યુ મામલે મુખ્યપ્રધાન વિજય રુપાણીને લેટર લખીને ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યાં છે.

આ લેટરમાં ધારાસભ્ય પૂંજા વંશે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા છે, તેમણે લખ્યું છે કે, વન વિભાગ સિંહોના મૃત્યુ માટે મનઘડત કારણો આપીને સમગ્ર મુદ્દાને રફેદફે કરવા માગતું હોય તેમ જણાય છે. વન વિભાગ દ્વારા સિંહોના રક્ષણ માટે જે કામગીરી થવી જોઈએ તે થઈ નથી. આ ઉપરાંત સિંહોને જુદા જુદા પ્રકારના વાયરસને કારણે નુકશાન થતું હોવા છતાં વન વિભાગ દ્વારા હજું સુધીમાં કોઈ નકકર કામગીરી કે પગલાં લેવામાં નથી આવ્યાં.

તેમણે વધુમાં લખ્યું છે કે, ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બીમારી આવે તો શું કરવું તે હેતુંથી વર્ષ 2007માં ગીરના સિંહો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ લેબ હોવી જોઈએ તે નથી. પરિણામે સમયસર સિંહોની સારવાર નથી થઈ સકતી. તેના કારણે મોટી સંખ્યામાં સિંહોના મોત થઈ રહ્યાં છે.

માલધારીઓ સિંહોનો પ્રોત્સાહક અને પાલક હતાં.

સિંહોને ઉશ્કેરવામાં ન આવે તો તે કદી પણ માનવજાત પર હુમલો કરતા નથી.ગીર જંગલના નેસડામાં વસતા માલધારીઓ સિંહોના પ્રોત્સાહક અને પાલક હતાં, તે માલધારીઓને અભ્યારણ્યની બહાર કરાય છે, તેના કારણે સિંહો ખોરાક પાણીની શોધમાં જંગલ વિસ્તારની બહાર વિહાર કરતા થઈ ગયાં છે. મુળ ગીરમાં સિંહોની સંખ્યા કરતાં ગીર બોર્ડરના બહારના રેવેન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધારે છે.

બિનકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે.

વધુમાં ધારસભ્ય પુજા વંશે આરોપ લગાવતા કહ્યું કે, ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલી રહ્યો છે, જેમાં વન વિભાગ ખુદ સામેલ છે. સિંહ દર્શન માટે આપવામાં આવતા માંસાહારમાં કેમિકલ ભેળવીને સિંહોને અર્ધબેભાન હાલતમાં કરવામાં આવે છે. ત્યાર બાદ નજીકથી સિંહ દર્શન કરાવવામાં આવે છે. તેના માટે એક વ્યક્તિના ગૃપ દિઠ 5થી10 હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં એશીયાટીક સિંહોનું છેલ્લું વતન ગીર છે, અને તે પણ વન વિભાગની બેદરકારીને લીધે લુપ્ત થઈ જાય તેવી ભીતિ સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ગુજરાતીઓ સેવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો સિંહોને મૃત્યુના મુખમાં જતાં બચાવી શકાયા હોત.

સિંહોના અકુદરતી મૃત્યુ બાબતે, વન વિભાગની બેદરકારી બાબતે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે જવાબદારી વન અધિકારીઓ સામ કડકમાં કડક પગલા લઈ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]