પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના આક્ષેપ બાદ 15 સિનિયર્સ સસ્પેન્ડ

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારપુર મેડીકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ કોલેજ દ્વારા તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશો બચાવ કરતા કહ્યું હતું કે, અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેંગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે.

શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. યુવક એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઊભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જવા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.