વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા

260

વડોદરા: શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષના નેતા તેમજ પૂર્વ કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

રવિવારે (17મી નવેમ્બર) રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવી પહોંચી હતી. સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે, આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી.