નવી દિલ્હી: ૧ ઓગસ્ટ ૨૦૨૬થી દેશમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના નિયમોમાં ૭ મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. ઇન્ડેન, એચ.પી. (HP) અને ભારત ગેસના ગ્રાહકો માટે સિલિન્ડર બુકિંગ, e-KYC, સબસીડી, PNG કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી જેવા મહત્વપૂર્ણ નિયમો જાણી લેવા જરૂરી છે.
૧. LPG સિલિન્ડરના ભાવમાં સમીક્ષા: તેલ વિતરણ કંપનીઓ (OMCs) દર મહિનાની ૧ તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. ઓગસ્ટ ૨૦૨૬માં કચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવના આધારે ૧૪.૨ કિલોના ઘરેલું અને ૧૯ કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, વધારો કે સ્થિરતા જોવા મળી શકે છે.
૨. e-KYC કરાવવું ફરજિયાત: સબસીડી અને ગેસ કનેક્શન સક્રિય રાખવા માટે ગ્રાહકો માટે આધાર આધારિત e-KYC પૂરું કરવું જરૂરી બનશે, ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે. જેમણે અગાઉથી જ e-KYC કરાવી લીધું છે તેમને ફરીથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવાની જરૂર રહેશે નહીં.
૩. ઉજ્જવલા યોજના હેઠળ સબસીડીની મર્યાદા: નવા નિયમો મુજબ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં મહત્તમ ૪ સિલિન્ડર રીફિલ પર જ સબસીડી મળશે. દર સિલિન્ડર દીઠ ₹૩૦૦ની સબસીડી આપવામાં આવશે. એટલે કે પરિવારને વાર્ષિક કુલ ₹૧,૨૦૦ સુધીનો લાભ મળશે.
૪ & ૫. LPG થી PNG પર સ્વિચિંગ અને કનેક્શન સરેન્ડર: જે વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ઉપલબ્ધ છે, ત્યાં હવે એક ઘરમાં માત્ર એક જ ગેસ કનેક્શન (LPG અથવા PNG) રાખી શકાશે. જો કોઈ ગ્રાહક PNG માં શિફ્ટ થાય છે, તો તેણે ૩૦ દિવસની અંદર પોતાનું LPG કનેક્શન બંધ કરાવવું પડશે.
૬. નાના સિલિન્ડરની એક્સપ્રેસ ડિલિવરી: ૫ કિલો અને ૧૦ કિલોના કોમ્પોઝિટ સિલિન્ડર માટે કંપનીઓએ ક્વિક ડિલિવરી સેવાઓ શરૂ કરી છે. HPCL અને Swiggy એ મળીને ૧૦ કિલોનો HP Navya સિલિન્ડર Swiggy Instamart દ્વારા ઓર્ડર કરવાની સુવિધા (હાલ બેંગલુરુમાં) શરૂ કરી છે. આ જ રીતે BPCL એ ‘Bharatgas Lite ZIP’ અને IOCL એ ‘Indane XTRALITE NOW’ નામથી હળવા, ટ્રાન્સપરન્ટ અનેઝડપી ડિલિવરીવાળા કોમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કર્યા છે.
૭. બુકિંગ, OTP અને લોક-ઇન પિરિયડ: સિલિન્ડર ડિલિવરી મેળવતી વખતે ગ્રાહકે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP (Delivery Authentication Code) ડિલિવરી પર્સનને આપવો ફરજિયાત રહેશે. ઉપરાંત, સિલિન્ડર બુકિંગ વચ્ચેનો લોક-ઇન પિરિયડ શહેરી વિસ્તારો માટે ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારો માટે ૪૫ દિવસનો રહેશે.




