AMTSના બસ સ્ટેન્ડની આજુબાજુ પાર્કિંગ કરનારા દંડાશે

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત AMTSના બસ સ્ટેન્ડ પર એકદમ તાજી સૂચનાઓ લગાડવામાં આવી છે. જાહેર સૂચનાના આ બોર્ડ શહેરના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે.  એમાં લખ્યું છે…’ આ બસ સ્ટેન્ડની આગળ કે આજુબાજુ 50 ફૂટ સુધી કોઈ પણ પ્રકારનાં વાહન પાર્ક કરવાં નહીં. બસ સ્ટેન્ડની આગળ, આજુબાજુ વાહન પાર્કિંગ દંડને પાત્ર છે.’

અમદાવાદ શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોના બસ સ્ટેન્ડ શટલિયા રિક્ષાઓની અડ્ડો છે. બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહે એ પહેલાં મધપૂડાની જેમ ઓટો રિક્ષાઓ વીંટળાઈ જાય છે. કાલુપુર જેવા વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર પેડલ રિક્ષાઓ અને ખાનાબદોશ લોકો અડ્ડો જમાવી દે છે.

જ્યારે મોટી સરકારી કચેરીઓ અને ટ્રાફિકથી ધમધમતા કેટલાક વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર અને આજુબાજુમાં પાન-મસાલા, ગુટકા અને સિગારેટના ખૂમચા લાગી જાય છે. જમાલપુર જેવા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર પાળેલાં પશુઓને પાર્ક કરી દીધાં હોય એ દ્રશ્યો જોવા મળી જાય.

મહત્વ ની વાત એ છે કે પ્રવાસીઓની સગવડ માટે બનાવેલા આધુનિક બેઠકો સાથેના બસ સ્ટેન્ડ પર કડક સૂચના તો લાગી ગઈ છે, હવે અમલ જ બાકી છે.!!

(પ્રજ્ઞેશ વ્યાસ)