૪૪ વર્ષે શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-૧૪ શિક્ષકોનું થયું પુનર્મિલન

  • ઉત્સાહી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ કાંદિવલીમાં લાગણીસભર વાતાવરણમાં એમનાં માનનીય શિક્ષકોનું સમ્માન કર્યું.
  • શિષ્યોએ ગુરુજનોનાં આશીર્વાદ લીધાં તો શિક્ષકોએ એમનાં નમ્ર છાત્રો સાથે ગીત-સંગીતની મહેફિલનો આનંદ માણ્યો અને ભોજન સમારંભમાં સામેલ થયાં.

કોઈ વિદ્યાર્થીને દાયકાઓ બાદ કોઈ ભૂતપૂર્વ શિક્ષક રસ્તામાં મળી જાય અને જૂની વાતોને બે ઘડી યાદ કરી લે, એવું તો ઘણાય સાથે બનતું હોય, પરંતુ એક જ સ્થળે એક સાથે ૧૪ ભૂતપૂર્વ શિક્ષકો સાથે પુનર્મિલન થાય તે આનંદ વિદ્યાર્થીઓ માટે કેવો અદ્દભૂત હોય એની જરા કલ્પના કરી જુઓ. મુંબઈના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં ૧૯૫૬માં રામનવમીના દિવસે સ્થપાયેલી મૂળ ગુજરાતી માધ્યમની પ્રસિદ્ધ શાળા ‘બાલભારતી’નાં વર્ષ ૧૯૭૯ના બેચનાં ૬૦ જેટલાં વિદ્યાર્થીઓને તે અનેરો અવસર માણવા મળ્યો જ્યારે એમણે ગત્ ૨૬ ફેબ્રુઆરીના રવિવારે કાંદિવલી રીક્રિએશન ક્લબ ખાતે એમનાં ૧૪ ભૂતપૂર્વ શિક્ષકોનું લાગણીસભર વાતાવરણમાં સમ્માન કર્યું હતું.

આ ભૂતપૂર્વ શિક્ષકોનાં નામ છેઃ

કુસુમબેન દેસાઈ, પુષ્પાબેન આશર, વિભાબેન ચક્રવર્તી, અનિલાબેન તન્ના, મુક્તાબેન, તરલાબેન મહેતા, આબિદાબેન, નંદિનીબેન જાધવ, ભાનુબેન દાવડા, પ્રવીણાબેન શાહ, નલીનભાઈ જોશી, દમયંતીબેન દેસાઈ, ભારતીબેન તલાટી અને જયશ્રીબેન દફ્તરી. દમયંતીબેન ‘બાલભારતી’માં પ્રાથમિક શાળાનાં શિક્ષિકા હતાં અને એમનાં પતિ ભૂપતભાઈ માધ્યમિક વિભાગમાં પી.ટી. સર હતા. કમનસીબે ભૂપતભાઈ હવે હયાત નથી. મુક્તાબેન આયુષ્યના ૯૦ના દાયકામાં પ્રવેશી ચૂક્યાં છે.

સમ્માન સમારંભમાં આ ગુરુજનો એમનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ગરબા પણ રમ્યા, લોકપ્રિય ગીતોની ધૂન પર એમની સાથે તાલ પણ ઝીલ્યો, પત્રમાં લખીને વિદ્યાર્થીઓ વિશે પોતાનાં અંતરની લાગણી પ્રદર્શિત કરી. ત્યારબાદ વિદ્યાર્થીઓ-શિક્ષકો સાથે બેસીને જમ્યાં. હોંશીલા વિદ્યાર્થીઓએ શિક્ષકોને જમવાનું પીરસવાનો લ્હાવો લીધો અને એમને તેમની મનભાવતી વાનગીઓ આગ્રહપૂર્વક જમાડી.

આ એક એવો અનેરો અનુભવ હતો જેની આ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કલ્પના પણ નહોતી કરી.

આ બધું સાકાર બન્યું ૧૯૭૯ના બેચના અમુક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બોરીવલી, નેશનલ પાર્કની તાજેતરની એક મુલાકાત દરમિયાન. મિત્રોમાં વાત વહેતી મૂકાઈ કે આપણને આજે આ સ્તરે પહોંચાડવામાં, આપણા જીવનનો પાયો નાખવાનું અને ઘડતર કરનાર શિક્ષકોનું સમ્માન કરીએ તો કેવું. સંપૂર્ણ સહમતી સધાઈ અને યોજના બનાવી તેને અમલમાં મૂકી. એમણે ભૂતપૂર્વ શિક્ષકો વિશેની વિગતો એકઠી કરી એમનો સંપર્ક કર્યો અને એમને સમ્માન સ્વીકારવા માટે આમંત્રિત કર્યાં. ૧૯૭૯, આ એ સાલ હતું જ્યારે વિદ્યાર્થીઓ એસએસસીની પરીક્ષા આપીને સ્કૂલજીવનથી અલગ થયા હતા અને શૈક્ષણિક કારકિર્દીમાં આગળ પ્રયાણ કરવા માટે શિક્ષકો પાસેથી વિદાય લીધી હતી.

૬૦ વર્ષની વયે પહોંચેલાં પોતાનાં શિષ્યો-શિષ્યાઓને સાવ બદલાયેલાં ચહેરા અને વ્યક્તિત્વમાં જોઈને શિક્ષકો દિગ્મૂઢ થયાં હતાં અને એમની પર સ્નેહ વરસાવ્યો હતો. તો ઘણાં વિદ્યાર્થી મિત્રો પણ દાયકાઓ બાદ એકબીજાંને પહેલી જ વાર મળ્યાં. સ્વાભાવિક રીતે જ, દરેક જણનો લૂક બદલાઈ ગયો હતો. આશ્ચર્યની આપ-લે સાથે સૌએ સ્કૂલ-ભણતરના વર્ષોની જૂની યાદોંને ફરી તાજી કરી હતી.

રવિવારના કાર્યક્રમના આરંભે એક શિક્ષિકાબહેને શાળાનાં નિયમની જેમ ઉક્ત બેચનાં વિદ્યાર્થીઓનાં નામ ઉચ્ચારીને એમની હાજરી-ગેરહાજરીની નોંધ લીધી હતી. વિદ્યાર્થીઓએ ગુરુજનોને તુલસીનો ક્યારો અને ભેટસોગાદ આપીને તેમનાં પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તો શિક્ષકોએ શિષ્યોને આશીર્વાદ આપ્યાં હતાં. આ યાદગાર અવસરે તમામ વિદ્યાર્થીઓ એમનાં એ દિવંગત શિક્ષકો તથા સાથી મિત્રોને પણ ભૂલ્યાં નહોતાં જેઓ હવે હયાત રહ્યાં નથી, જેમ કે, શાળાનાં સ્થાપક પ્રમોદ તન્ના, દિવંગત શિક્ષકો – પ્રિન્સિપાલ આર.સી. દેસાઈ, પ્રવીણાબેન માણેક, સરોજબેન, ભૂપતભાઈ દેસાઈ, મિસ્ત્રીસર, નિલમબેન, બાલુભાઈ પંચાલ, સુમનબેન અને અનિલભાઈ તેમજ સાથી મિત્રો ડોરિક શાહ અને પરેશ પંડ્યા. આ તમામની યાદમાં એક મિનિટનું મૌન પાળીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અમુક વિદ્યાર્થીઓએ આ શિક્ષકોનાં હાથ નીચે એમનાં ભણતરનાં દિવસો દરમિયાનના રસપ્રદ કિસ્સાઓ સંભળાવ્યાં હતાં તો શિક્ષકોએ પત્રો દ્વારા પોતાની લાગણીભરી વાતો, સલાહ-સૂચનની રજૂઆત કરી હતી. એ પત્રોની વિગત વિદ્યાર્થીઓએ જ વાંચી સંભળાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં રમૂજનો રેલો સતત વહેતો રહ્યો હતો.

આ જ શિક્ષકોનાં હાથ નીચે બાળમંદિર, પ્રાથમિક અને માધ્યમિક સ્તરનું શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પોતપોતાની રીતે આગળ વધ્યાં છે. આમાં કોઈક બિલ્ડર છે, તો કોઈક બિઝનેસમેન, કોઈક મીડિયાકર્મી છે તો કોઈક એન્જિનિયરિંગ નિષ્ણાત તો કોઈક બેંકર. વર્ગોમાં સાથે બેસીને ભણેલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં ઘણાં આજે દાદા-દાદી કે નાના-નાની બની ગયાં છે. આ તમામ વિદ્યાર્થીઓ સમ્માન સમારંભમાં હોંશપૂર્વક હાજર રહ્યાં હતાં. અમુક વિદ્યાર્થી મુંબઈ બહાર વસ્યાં છે, જેમાં બબિતા પરીખ અને જ્યોતિ ભટ્ટ અમદાવાદથી આવ્યાં હતાં તો હિતેશ મહેતા સુરતથી તો સંજય શાહે મસ્કત (ઓમાન)થી ખાસ હાજરી આપી હતી.

નીતા જાનીએ સ્વાગત વક્તવ્ય આપ્યું હતું જ્યારે નિખિલ જોશીએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

ગીત-સંગીતની રમઝટ બોલાવીને ઓરકેસ્ટ્રા સંચાલક જયેશ આશર અને એમનાં સાથીઓએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધાં હતાં.

આ યાદગાર સમ્માન સમારંભને સફળ બનાવવાનો મુખ્ય શ્રેય જાય છે નીરજ વોરા, નિખિલ જોશી, નિમેશ મહેતા, દુષ્યંત પટેલ, સંજય શાહ, ચંદ્રેશ શાહ, સુનિલ કાપડિયા, નિલેશ શેઠ, અતુલ વોરા તથા એમનાં અન્ય મિત્રોને. એમણે વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં ગુરુજનોને એમનાં ઘેરથી ખાસ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સાથે સમારંભ સ્થળે લાવવા અને ત્યાંથી સહીસલામત રીતે એમનાં નિવાસે પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી. નલીનભાઈ જોશીને છેક પોરબંદરથી તો કુસુમબેનને નવસારીમાંથી આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં અતુલ વોરાએ એક ઉમદા કાર્યની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે શિક્ષકો પ્રતિ ઋણ ચૂકવવાના એક નાના પ્રયાસ રૂપે પોતે એક વિદ્યાર્થીના પહેલા ધોરણથી લઈને ગ્રેજ્યુએશન સુધીના ભણતરનો ખર્ચ પોતે ઉઠાવશે.

કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓએ એમનાં માનવંતા શિક્ષકોને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે વિદાયમાન કર્યાં હતાં અને ત્યારબાદ સૌ સાથે જમ્યાં અને પાંચેક કલાકનો આનંદ માણીને છૂટાં પડ્યાં હતાં, પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમ મારફત એકબીજાંનાં સંપર્કમાં રહેવાનાં નિર્ધાર સાથે.