અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવાં માંડ્યાં છે. જેની સારી-નરસી અસર અને હલચલ રાજકીય પક્ષોમાં તો થવા જ લાગી છે, પણ એની સૌથી ખરાબ અસર અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરની દીવાલો પર થઈ છે. શહેરના માર્ગો પર બંને તરફ દીવાલો પર રાજકીય પક્ષોનાં ચિહનોનું ચિતરામણ કરી દેવામાં આવ્યું છે.
વડા પ્રધાન મોદીએ શરૂ કરેલી સ્વચ્છતાની ઝુંબેશ રોડ-રસ્તાઓ પૂરતી જ સીમિત છે? શું એની જવાબદારી આમ આદમીની જ છે? રાજકીય પક્ષોની એની કોઈ જવાબદારી ખરી કે નહીં?
હેરિટેજ સિટીનો દરજ્જો પામેલા અમદાવાદની જ વાત કરીએ તો નવ નિર્મિત મેટ્રો ટ્રેનના માર્ગોના થાંભલા, સરકારી ઇમારતોની દીવાલો, શાળા- કોલેજો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિહનોનું વરવું ચિતરામણ કરી દેવામાં આવ્યું છે.
શહેરના ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ અને ગુજરાત યુનિવર્સિટી અને જીએમડીસી જેવા ખુલ્લાં મેદાનોની ભીંતો પર પણ ચૂંટણી ચિહ્નો ઊડીને આંખે વળગે એવી રીતે પેઇન્ટ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ તો ખાનગી જાહેરાતોનાં પાટિયાં, પેઇન્ટિંગ ગણતરીના કલાકોમાં જ ઉખાડીને દબાણની ગાડીઓમાં ભરી રવાના થઈ જાય છે અછવા જેતે ચિતરામણ પર કૂચડા ફેરવી દેવામાં આવે છે. પરંતુ રાજકીય પક્ષો, નેતાઓના કાર્યક્રમનાં પાટિયાં, બેનર્સ જાહેર માર્ગો, પ્રતિષ્ઠિત માણસોની પ્રતિમાઓની આસપાસ દિવસો સુધી લાગેલાં રહે છે.
સ્વચ્છતા ઝુંબેશ અને સ્માર્ટ સિટી બનાવવા, સ્માર્ટ સિટી હેરિટેજ સિટીની જાહેરાતો કરવા કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી લાચાર પ્રજા ભીંતો પર ચીતરેલી રાજકીય પક્ષોએ કરેલી ગંદકી જોતી રહે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)