ગુજરાતમાં અતિવૃષ્ટિ: 14નાં મરણ, 31 હજારનું સ્થળાંતર

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અનેક ભાગોમાં છેલ્લા અમુક દિવસોથી ભારે વરસાદે કાળો કેર વરસાવ્યો છે. અનેક ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વીતી ગયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે 14 જણના મૃત્યુના અહેવાલ છે. અત્યાર સુધીમાં 31 હજાર જેટલા લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરાના કંડારી ગામે 63 લોકો પૂરનાં પાણીમાં ફસાઈ ગયા હતા. NDRF‌ જવાનોની ટીમ દ્વારા એ તમામને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં બે સગર્ભા સ્ત્રી, 18 બાળકો અને બે દર્દીઓને સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકામાં મેઘમહેર યથાવત રહી છે. સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજી આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે સવારે ગાજવીજ સાથે વરસાદ ફરી શરૂ થયો હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ અને નવસારી જિલ્લાઓમાં અતિમુસળધાર વરસાદ ખાબક્યો છે. એને કારણે ત્રણ નેશનલ હાઈવે પર ટ્રાફિક ઠપ થઈ ગયો છે. રાજ્યમાં 51 સ્ટેટ હાઈવે અને 400થી વધારે ગ્રામપંચાયત રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. નદીઓ ગાંડીતુર બની છે, ડાંગ જિલ્લામાં મેઘતાંડવને કારણે 30થી વધુ કોઝવે ગરક થતા 50થી વધુ ગામને માઠી અસર થઈ છે. પૂરગ્રસ્ત લોકોની મદદ માટે હવાઈ નિરીક્ષણ કરવા અને લોકોને જીવનાવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.