મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ પાલઘરની વૈતરણા નદીમાં પૂર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. પાલઘર, નાશિક અને પુણે જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ ઘોષિત કર્યું છે અને અતિમુસળધાર વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે મુંબઈ, થાણે, રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, અમરાવતી, યવતમાળ, વર્ધા, નાગપૂર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કર્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

મુંબઈની નજીકમાં આવેલા પાલઘરમાં વૈતરણા નદીમાં પૂર આવ્યું છે. બહાડોલી ગામ ખાતે 13 કામદારો પૂરનાં પાણીમાં ફસાઈ ગયા હતા. એમાંના 6 જણને ગામવાસીઓ, બચાવ કામદારો અને પોલીસ જવાનોએ સાથે મળીને બચાવી લીધા હતા. બાકીનાઓની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. મુંબઈમાં ગઈ આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈ યૂનિવર્સિટીએ એન્જિનિયરિંગ શાખા સહિત આજે નિર્ધારિત તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. થાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે સાવચેતીના પગલાં તરીકે આજે અને આવતીકાલ એમ બે દિવસ બારમા ધોરણ સુધીના સ્કૂલ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.