જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે બપોરે બૈસરણ વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા, આ હુમલામાં ત્રણ ગુુજરાતીઓઅ જીવ ગુમાવ્યો છે. જેમાં ગુજરાતના ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત તેમજ સુરતના શૈલેષભાઈ કળથીયા (44)નો સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત આતંકીઓએ પ્રવાસીઓ અને સ્થાનિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ભાવનગરના વિનુભાઈ ડાભી (62) ગોળી વાગવાથી ઘાયલ થયા. તેમને અનંતનાગ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા. હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી. ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી, 23 એપ્રિલે ઘાયલોની મુલાકાત લીધી.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મંગળવારે સુરતના યુવકનું અને બુધવારે (આજે) ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું. ત્યારે સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. ત્યારબાદ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા મૃતકોના પાર્થિવ દેહને મુંબઇ લાવવમાં આવશે. ત્યારબાદ જે-તે રાજ્યમાં મોકલવામાં આવશે. ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલએ જણાવ્યું હતું કે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને સાંજે 4 કલાકે મુંબઇ એરઓર્ટ પર લાવવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ભાવનગર પહોંચતાં સાંજના 7:00 વાગી જશે.
ઉલ્લેખનીય છે કે, આ હુમલો ભાવનગરના 20 પ્રવાસીઓના ગ્રૂપ પર થયો, જે 16 એપ્રિલે 15 દિવસની યાત્રાએ નીકળ્યું હતું. ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લઈ, ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલ અને સુરત વહીવટે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સંકલન કરી મૃતદેહો પરત લાવવાની અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરી છે. શ્રીનગર કંટ્રોલ રૂમે ઈમરજન્સી નંબર (0194-2483651, 7780805144) જાહેર કર્યા. PDP ચીફ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, ‘ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (23 એપ્રિલ) સંપૂર્ણપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નક્કી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.’
આ ઘટનાએ અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા ચિંતા વધારી છે, જેનો બેઝ કેમ્પ પહલગામમાં છે. 2024માં 35 લાખ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી, પરંતુ હવે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને ફટકો પડવાની ભીતિ છે. વડાપ્રધાન મોદીએ હુમલાની નિંદા કરી, આતંકીઓને સજાની ચેતવણી આપી. સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું, જ્યારે બરામુલ્લામાં ઘૂસણખોરી નિષ્ફળ બનાવાઈ. ભાવનગર-સુરતમાં શોકનો માહોલ છે.
