26 ડિસેમ્બરે ચક્રીય સૂર્યગ્રહણ નિહાળવું હોય તો પહોંચી જજો વિજ્ઞાન નગરીએ

અમદાવાદ:  ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સાયન્સ સીટી ખાતે આવનાર ચક્રિય સૂર્યગ્રહણ પર ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં આ સૂર્યગ્રહણ ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ એ સવારે 8:06 કલાકે શરુ થશે જેને અઢી કલાક સુધી નિહાળી શકાશે.

કયારે થાય છે સૂર્યગ્રહણ?

સૂર્યગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રની સપાટી સૂર્યની સપાટીની સામે આવે છે. જો ચંદ્ર સીધો જ સૂર્યની સામેથી પસાર થઇ જાય જયારે તે સપાટીની નજીક હોય ત્યારે લંબગોળ ભ્રમણકક્ષાનુ બિંદુ પૃથ્વીથી સૌથી દુર હોય છે. આકાશદર્શન કરનારાઓ વલયઆકાર ગ્રહણ જોઇ શકે છે. જેને આગની રીંગ પણ કહે છે.

આ અવકાશી ઘટના નિહાળવાના સાક્ષી બનવાની અમુલ્ય તક વિશે જણાવતા વિજ્ઞાન પ્રસારના પૂર્વ ડીરેકટર ડો. વિનય બી કામ્બલે એ જણાવ્યુ કે ધ રીંગ ઓફ ફાયર, ગ્રહણ ૨૬મી ડીસેમ્બરે સાઉદી અરેબિયા, કતાર , ફિલીપાઇન્સ સહીત ભારતના કેટલાક ભાગોમાં દેખાશે.

ડો. કાંબલેએ લોકોને વિવિધ અંધશ્રદ્ધાઓથી દુર રહેવા જણાવ્યું. ખોરાક અને પાણી ગ્રહણને લીધે ખરાબ થઇ જતા નથી અને ગ્રહણ દરમ્યાન કોઇ નુકસાનકારક કિરણો સૂર્યમાંથી નિકળતા નથી. કોઇ પણ વ્યકતિ સુરક્ષિત સોલર ફિલ્ટરથી કોઇ પણ જાતના નુકસાન વગર સૂર્ય ગ્રહણની ઘટના નિહાળી શકે છે.

સૂર્યગ્રહણ વિશે વિસ્તારમાં જણાવતા વિષય નિષ્ણાંત ડો. જે.એન.દેસાઇએ જણાવ્યું કે “ધરીના સમીકરણની ફોર્મ્યુલા દ્વારા સૂર્યગ્રહણ અને ચંદ્વગ્રહણની ગણતરી કરવામા આવે છે.” શું કરવું અને શું ના કરવું તેના પર ભાર મુકતા ડો.દેસાઇએ ગ્રહણ દરમ્યાન સૂર્યનો પ્રત્યક્ષ સંપર્ક ટાળવા જણાવ્યું. નરી આંખે સૂર્યની સામે સીધા જોવુ તે અંધાપો લાવી શકે છે અને જો તમે આંખોને રક્ષણ આપતું યોગ્ય કવચ ન પહેર્યુ હોય તો આંખોને કાયમી નુકસાન પણ થઇ શકે છે.

વિજ્ઞાનમાં લોકોને સાંકળવા અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા સૂર્યગ્રહણના સમયે વિધાર્થીઓ અને નાગરીકો માટે સુરક્ષિત રીતે સૂર્યગ્રહણ નિહાળવાની સાથે સાથે વિવિધ હેન્ડસ ઓન એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સોલર ફીલ્ટર દ્વારા સુરક્ષિત ગ્રહણ નિહાળવું, પીન હોલ કેમેરા, પૃથ્વી- ચંદ્ર – સૂર્યનું અંતર માપવું, રીંગ ઓફ ફાયર પર NASA નું લાઇવ પ્રસારણ, વિષય નિષ્ણાંતો સાથે લાઇવ ચર્ચા, સૂર્યગ્રહણ વિશેની ગેમ્સ અને ઘણુ બધુ છે. આ પ્રકારના કાર્યક્રમો રાજકોટ, ભાવનગર, પાટણ અને ભુજમાં રિજનલ સાયન્સ મ્યુઝિયમ ખાતે યોજાશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]