સુરતઃ તહેવારોની સીઝન શરૂ થતાની સાથે જ ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધી જાય છે. રેલવે યાત્રીઓનો સ્ટેશનો પર ભારે ધસારો જોવા મળે છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવી રેલવે માટે ઘણી વખત મુશ્કેલ બની જાય છે. શહેરમાં રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર સર્જાયેલી સ્થિતિએ તંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી હતી.
1700 સીટ ધરાવતી છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવી તો અફરાતરફી મચી ગઈ હતી. ભીડ ટ્રેનમાં ચઢવા બેકાબૂ બની જતાં ચાર લોકો ગભરામણથી બેભાન થઈ ગયા હતા. આ ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ટ્રેનમાં ચઢવા પેસેન્જરો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. ટ્રેન આવતાની સાથે સ્ટેશન પર અરાજકતા સર્જાઈ હતી. ટ્રેનના ટ્રેક પર વિખેરાયેલી ચપ્પલો અને પ્લેટફોર્મ પર બેભાન પડેલા લોકોની મદદે પોલીસ દોડી આવી હતી. 108 ની ટીમ પણ મદદે આવી ગઈ હતી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પણ આ ઘટનાની જાણ થતાં તેમણે રેલવે સ્ટેશને વધુ પોલીસ ફોર્સ મોકલી આપી હતી. તેમણે પણ રેલવે સ્ટેશને પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
દિવાળીને લીધે સૌકોઈ ઘરે જલદી પહોંચવા માગતા હતા, જેને કારણે અરાજકતા ફેલાઈ હતી. આ અરાજકાતાને લીધે દોડધામ મચી જતાં ચારથી વધુ લોકોના શ્વાસ રૂંધાયા હતા.અહીં પ્રવાસીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ભીડ અને ધસારાના કારણે પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા તો કેટલાક લોકો ચાલતી ટ્રેને પણ ભીડમાં ટ્રેનમાં જીવના જોખમે ચઢવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.