રાજ્યના જેલ વિભાગના કર્મચારીઓની દિવાળી સુધરી

ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓની આ દિવાળીએ સુધરી ગઈ છે. રાજ્ય સરકારે જેલ વિભાગના કર્મચારીઓનો પગારવધારો કર્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રૂ. 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ગ-3ના કર્મચારીઓનાં વિવિધ ભથ્થાંમાં વધારો કરવામાં આવતાં ખુશીનો માહોલ છવાયો છે. સરકારે જેલના કર્મચારીઓને અનેક લાભ આપ્યા છે, જેમાં 1979માં અપાતા રૂ. 60ના જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થામાં 3500થી 5000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા ફિક્સ પગારના જેલ સહાયકને હવે 35, સિપાઈને રૂ. 4000, હવાલદારને રૂ. 4500 અને સુબેદારને રૂ. 5000નું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા રૂ. 150માં વધારો કરીને રજા પેટે રૂ. 665 રૂપિયા ચૂકવાશે.

આ સાથે જેલ સિપાહી, હવાલદાર, સુબેદારને રૂ. 500 વોશિંગ એલાઉન્સ અપાશે. આ ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓના જાહેર રજાના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. ફિક્સ પગારના જેલ સહાયકોના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. આ વધારો પોલીસના ભથ્થામાં થયેલા વધારાની તારીખથી અમલ થશે. આ ઉપરાંત અનેક વિભાગમાં બઢતી અને બદલીથી અધિકારીઓ ખુશખુશ થઈ ગયા છે.