પીવાના પાણીને લગતાં કામો માટે સરકારે તિજોરી ખુલ્લી રાખી છે

કપડવંજ- ઊનાળો આકરે પાણીએ છે ત્યારે પીવાના પાણીની તંગીને પહોંચી વળવા પ્રશાસનિક નિર્ણયોમાં ઝડપ આવે તે માટે સરકાર ઝપાટાબંધ કામે લાગી હોય તેમ સીએમ બાદ ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે પણ મહત્ત્વની વાત કહી છે.  તેમણે જણાવ્યું હતું કે પીવાના પાણીના કામો નાણાંના અભાવે અટકશે નહીં.

પટેલે જણાવ્‍યું કે, ખેડા જિલ્‍લાના નાગરિકોને ઉનાળામાં પીવાનું પૂરતુ પાણી સમયસર મળી રહે તે માટે જિલ્‍લા પ્રશાસન દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. કપડવંજ તાલુકાના ૪૨ ગામોમાં નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સત્વરે વધારાના બોરવેલ તથા પીવાના પાણીની વધારાની પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો સત્‍વરે પહોંચાડવામાં આવશે. નાણાંના અભાવે પીવાના પાણીનું કોઇપણ કામ અટકશે નહીં. તેમણે નડિયાદ ખાતે ખેડા જિલ્‍લામાં પીવાના પાણીના પ્રશ્નો અંગે જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્‍લામાં જે વિસ્‍તારોમાં પીવાના પાણીના પ્રશ્નો અંગેની રજૂઆતો મળે તો તેનો સત્વરે હકારાત્‍મક ઉકેલ કરવા સૂચનાઓ આપી હતી.

ખેડા જિલ્‍લામાં હયાત પાણી પુરવઠા યોજનાની મરામત કામગીરી, નવી પાઇપલાઇન નાખવી, નવા ટયુબવેલ બનાવવા, નાગરિકોને નર્મદા યોજનાના પાણી સહિત અન્‍ય યોજનાઓમાં પાણી મળી રહે તે માટે લાંબાગાળાનું આયોજન ઘડી કાઢવામાં આવશે. ઉપરાંત, જે વિસ્‍તારોમાં પીવાના પાણીની અછત છે તેવા વિસ્‍તારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આવા વિસ્‍તારોમાં પાણી પુરવઠા યોજનાઓને ઝડપભેર શરૂ કરવા માટે તથા જરૂર જણાય તો ટેન્‍કર કે અન્‍ય સોર્સ મારફતે પીવાનું પાણી પહોંચાડવા તેમણે જિલ્‍લાના તંત્ર વાહકોને સૂચનાઓ પણ તેમણે આપી હતી.

જો પાણી પુરવઠા બોર્ડ તેમ જ ધારાસભ્ય, સંસદસભ્યની ગ્રાન્‍ટમાંથી બનેલો હેન્‍ડ પંપ બંધ હાલતમાં હોય તો તેને બે દિવસમાં મરામત કરવા પાણી પુરવઠા બોર્ડના અધિકારોઓને તાકીદ કરવામાં આવી હતી. જેને લઇને સેવાલિયામાં બનેલ ફિલ્‍ટર પ્‍લાન્‍ટને બે દિવસમાં કાર્યન્વિત કરવા પટેલે જણાવ્‍યું હતું. ખેડા જિલ્‍લામાં 11 ચેકડેમ મંજૂર કરવામાં આવ્યાં છે. જે પૈકી ચાર ચેકડેમની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે. કઠલાલ-ખેડા-માતર, મહુધા, મહેમદાવાદ, ઠાસરા તાલુકાના પીવાના પાણીના પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ કરવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડા જિલ્‍લામાં નિર્માણ પામેલ પાણી પુરવઠા યોજનાઓને ઝડપથી વીજ જોડાણ મળે એટલું જ નહીં નિમાર્ણાધીન પાણી પુરવઠા યોજનાઓ ઝડપભેર પૂર્ણ થાય તે જોવા તેમણે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ  નયના પટેલ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, કલેકટર સુધીર પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

ખેડામાં પીવાના પાણીની સમસ્‍યા અંગે હેલ્‍પ લાઇન નંબર “-૧૯૧૬” પર ફરિયાદ કરી શકાશે

ખેડા જિલ્‍લામાં પીવાના પાણીની સમસ્‍યા નિવારવા માટે હેન્‍ડપંપ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્‍લામાં હેન્‍ડપંપ મરામત માટે સાત ટીમ કાર્યરત કરવામાં આવી છે.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૧૯૧૬ હેલ્‍પ લાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો પીવાના પાણીની રજૂઆત આ નંબર પર કરી શકે છે. આ નંબર પર થયેલ ફરિયાદનો ૨૪ કલાકમાં જ ઉકેલ કરવામાં આવે છે.

હેન્‍ડપંપ રીપેરીંગ માટે માતર-નડિયાદ-મહુધા-મહેમદાવાદ, વસો અને ખેડા તાલુકાના ગામો માટે ટે.નં.૦૨૬૮-૨૫૫૦૬૪૧ તથા કપડવંજ-કઠલાલ-ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામોના નાગરિકો ટે.નં.૦૨૬૮-૨૫૪૬૮૭ ઉપર રજૂઆત કરી શકશે.

 

ખેડા જિલ્‍લામાં ઉનાળાની સીઝનમાં નાગરિકોને પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૧૪ જુથ પાણી પુરવઠા યોજના દ્વારા ૧૪૩ ગામોમાં, સ્‍વતંત્ર પાણી પુરવઠા યોજના દ્વારા ૩૭૪ તેમજ મીની પાણી પુરવઠા યોજનાઓ દ્વારા ૧૪૮ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહયું હોવાનું કાર્યપાલક ઇજનરશ્રી કે.એસ.ડાંગીએ જણાવ્‍યું છે.ખેડા જિલ્‍લામાં ૩૮૧૧ હેન્‍ડ પંપ, ૪૩૫ પાતાળકુવા અને ૧૪૮ મીની પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્‍તારોમાં ૧૬૦.૬૫ MLD સોર્સ અને ૪.૯૫ MLD નર્મદા યોજનાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.

ખેડા જિલ્‍લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂા.ત્રણ કરોડના ખર્ચે ૨૦૦ નવીન હેન્‍ડપંપ તેમજ રૂા.એક કરોડના ખર્ચે ૧૫ નવીન બોર બનાવવામાં આવશે. જેથી આગામી સમયમાં પીવાના પાણીના પ્રશ્નો હળવા થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]