આફરિદીએ ભારતમાં આવી પોતાની માનસિક સારવાર કરાવવાની જરૂર છેઃ ગૌતમ ગંભીર

નવી દિલ્હી – પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફરિદીએ જ્યારથી એનું આત્મકથા પુસ્તક ગેમ ચેન્જર રિલીઝ કર્યું છે ત્યારથી એ વિવાદોમાં ચમકતો રહ્યો છે. એ કશ્મીર સમસ્યા, પોતાની ઉંમર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર વિશે નિવેદનો કરીને એણે વિવાદ જગાવ્યા છે.

પોતાના પુસ્તકમાં, આફરિદીએ ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરની એમ કહીને ટીકા કરી છે કે ગંભીરમાં વ્યક્તિત્વનો અભાવ છે અને એનો સ્વભાવ મોટી સમસ્યા છે.

આફરિદીએ પુસ્તકમાં લખ્યું છે, અમુક હરીફાઈ અંગત હોય છે તો અમુક પ્રોફેશનલ. ગંભીરનો મામલો દિલચસ્પ છે. એને એટિટ્યૂડની સમસ્યા છે. ગંભીરમાં વ્યક્તિત્વનો અભાવ છે અને ક્રિકેટની રમતમાં એનું કોઈ ચરિત્ર નથી. એણે કોઈ મોટા રેકોર્ડ કર્યા નથી, માત્ર સ્વભાવ છે.

આફરિદીએ લખ્યું છે કે, કરાચીમાં અમે આવા લોકોને સારયાલ કહીએ છીએ (જે હંમેશાં ગુસ્સામાં રહેતા હોય એવા). મને ખુશ અને સકારાત્મક લોકો પસંદ છે, પણ ગંભીર એવો નહોતો.

આફરિદીએ વધુમાં લખ્યું છે કે ગંભીર એવો વર્તાવ કરે છે જ્યારે એ ડોન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ, બંને જેવી ક્ષમતા ધરાવતો હોય અને એનો સ્વભાવ પણ બરાબર નથી, ન તો એ કોઈ મહાન ખેલાડી છે.

રાજકારણમાં પ્રવેશેલા અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ગૌતમ ગંભીરે વર્તમાન લોકસભા ચૂંટણી માટે ટિકિટ પણ મેળવી છે. આફરિદીએ તેના પુસ્તકમાં પોતાની વિશે લખેલી નકારાત્મક વાતોનો ગંભીરે વળતો જવાબ આપ્યો છે. એમણે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરના ટ્વીટમાં આફરિદીને ટેગ કરીને કહ્યું છે કે, શાહિદ આફરિદી તું બહુ મજાકિયો છે. અમે પણ પાકિસ્તાનીઓને ઈલાજ કરાવવા માટે ભારતના વિઝા આપી રહ્યા છીએ. હું તને જાતે જ મનોચિકિત્સક પાસે લઈ જઈશ.

આ બંને ખેલાડી વચ્ચે મેદાનની અંદર અને મેદાનની બહાર સારું બનતું નહોતું.

2007માં, વન-ડે સીરિઝ દરમિયાન કાનપુરમાંની મેચ વખતે મેદાન પર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

આફરિદીએ જોકે પોતાના પુસ્તકમાં એ ઘટનાને એશિયા કપની મેચ તરીકે દર્શાવી છે જે ખોટું છે.

આફરિદીએ હાલમાં જ એવો એકરાર કર્યો હતો કે એણે પોતાની ઉંમર વિશે છેતરપીંડી કરી હતી. એણે જ્યારે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી ત્યારે એ 16 વર્ષનો નહીં, પણ 21 વર્ષનો હતો. જ્યારે વર્ષોથી એવું માનવામાં આવે છે કે એ ત્યારે 16 વર્ષનો હતો.

httpss://twitter.com/GautamGambhir/status/1124504874215968768

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]