યુપીએ શાસન દરમિયાન અમને 1 લાખ કરોડ રૂપિયાનાં સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા હતાઃ રિલાયન્સ ગ્રુપનો દાવો

મુંબઈ – અનિલ અંબાણી રાજકીય સાંઠગાંઠ વડે પોતાનું કામ કઢાવી લેનારા મૂડીવાદી (ક્રોની કેપિટાલિસ્ટ) છે એવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપને રદિયો આપતાં રિલાયન્સ ગ્રુપે આજે કહ્યું કે યુપીએ સરકારના શાસન વખતે અમારા ગ્રુપને રૂ. 1 લાખ કરોડના કોન્ટ્રાક્ટ્સ મળ્યા હતા અને રાહુલ ગાંધીએ ખોટી માહિતી, ઉપજાવી કાઢેલી વિગતો અને કિન્નાખોરી પ્રેરિત જુઠાણાંવાળો એમનો પ્રચાર ચાલુ જ રાખ્યો છે.

રિલાયન્સ ગ્રુપે આ સંદર્ભમાં સવાલ કર્યો છે કે એની કંપનીઓને પાછલી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના શાસન વખતે રૂપિયા એક લાખ કરોડની કિંમતના સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા હતા તો શું એ સરકાર ક્રોની કેપિટાલિસ્ટ અને બેઈમાન ઉદ્યોગપતિઓને મદદ કરતી હતી?

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ શનિવારે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે અનિલ અંબાણી ક્રોની કેપિટાલિસ્ટ છે. (મતલબ કે નેતાઓ સાથે સાંઠ ગાંઠ કરીને ફાયદો કમાતા મૂડીવાદી છે)

રિલાયન્સ ગ્રુપે કહ્યું છે કે રાહુલ ગાંધીએ અમારા ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર ક્રોની કેપિટાલિસ્ટ હોવાનો અને બેઈમાન ઉદ્યોગપતિ હોવાનો આરોપ મૂક્યો છે… આ ચોક્કસપણે ખોટું નિવેદન છે.

ગ્રુપે કહ્યું છે કે કોંગ્રેસના નેતૃત્ત્વવાળી સરકારના શાસન વખતે 2004થી 2014 વચ્ચેના સમયગાળામાં એને વીજળી, દૂરસંચાર, રોડ બાંધકામ, મેટ્રો રેલવે વગેરે જેવા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રૂ. 1 લાખ કરોડથી વધુના સરકારી કોન્ટ્રાક્ટ મળ્યા હતા.