રાજ્યમાં કોરોના-કેસો વધવા છતાં લોકડાઉન નહીં: રૂપાણી

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસો સતત અને ઝડપથી વધી રહ્યા છે, ત્યારે રાજ્યનાં ચાર મહાનગરોમાં મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. જેથી રાજ્યમાં અને શહેરોમાં લોકડાઉન ફરી આવશે કેમ? એ અંગે ભારે ચર્ચા અને અફવા ચાલી રહી છે. જે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન નહીં આવે.

તેમણે એ પણ કહ્યું હતું કે સ્કૂલ અને કોલેજો ચાલુ રાખવા કે કેમ એ અંગે આજે મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જોકે હોળી-ધુળેટીની ઉજવણી થવા દેવી કે કેમ એ અંગે પણ સરકાર ઝડપથી નિર્ણય લેશે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો, પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખૂબ ઓછા થઈ જતાં લોકોમાં બેપરવા બન્યા હતા. જોકે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવામાં ઢીલાશ આવતાં કોરોનાના કેસ વધ્યા છે, હવે ઢીલાશ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ કરી લીધી છે અને હવે આપણે ફરીથી કોરોનાને હરાવીશું.
હવે ચાર મહાનગરોમાં નાઇટ કરફ્યુનું ચૂસ્ત પાલન કરવામાં આવશે તેમ કહેતાં રૂપાણીએ જણાવ્યું હતું કે માસ્કનો નિયમ પણ કડકાઈથી અમલ કરાવવામાં આવશે, અને કોઈપણ જગ્યાએ ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

કોરોનાના કહેરને કારણે સરકારની સૂચના બાદ અમદાવાદના રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબોમાં તમામ પ્રવૃત્તિઓ બંધ કરાઈ છે. બંને ક્લબમાં જિમ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ જેવી તમામ પ્રવૃત્તિઓ નહીં થઈ શકે.