‘સ્વદેશી ટ્વિટર’ Kooમાંનો ચીની હિસ્સો ભારતીય-ઉદ્યોગસાહસીઓએ ખરીદ્યો

મુંબઈઃ અમેરિકાની માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ કંપની ટ્વિટરને જે ભારતીય (આત્મનિર્ભર ભારત) જવાબ ગણાય છે તે કૂ (Koo) એપ કંપનીમાં ચીનના ઈન્વેસ્ટર શૂનવેઈ કેપિટલનો 9 ટકાનો હિસ્સો ભારતના A-લિસ્ટ ઉદ્યોગસાહસીઓના એક જૂથે ખરીદી લીધો છે. આ ઉદ્યોગસાહસીઓમાં ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જાવાગલ શ્રીનાથ, બૂકમાયશોનાં આશિષ હેમરાજાની, ઉડાનનાં સુજીત કુમાર, બ્રોકરેજ કંપની ઝેરોધાનાં નિખિલ કામતનો સમાવેશ થાય છે.

‘કૂ’ની પિતૃ કંપની બોમ્બિનેટ ટેક્નોલોજીસ પ્રા.લિ.માં શૂનવેઈ કેપિટલનો 9 ટકાનો માઈનોરિટી હિસ્સો ભારતીય ઉદ્યોગસાહસીઓના જૂથે ખરીદી લીધો છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. જોકે સોદાની નાણાકીય વિગતો જાહેર કરી નથી. અમુક વાંધાજનક સામગ્રીને દૂર કરવાના મામલે ભારત સરકારને ટ્વિટર સાથે ઘર્ષણ થયા બાદ કૂનું નામ ચગ્યું છે. કૂનાં આશરે 10 લાખ સક્રિય યૂઝર્સ છે અને ડાઉનલોડ્સનો આંકડો 40 લાખને પાર કરી ગયો છે. કૂ ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.