કમલા હેરિસના નિવાસસ્થાનની બહાર હથિયારધારી વ્યક્તિની ધરપકડ

વોશિંગ્ટનઃ વોશિંગ્ટન ડીસી પોલીસે બુધવારે એક વાહનમાંથી એક રાઇફલ અને ગોળા બારુદની સાથે ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસના સત્તાવાર નિવાસસ્થાન યુએસ નેવલ ઓબ્ઝર્વેટરીની બહાર ટેક્સાસની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે હાલમાં ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ એ ઘરમાં નથી રહેતાં, કેમ કે હાલમાં એ ઘરમાં મરામત ચાલી રહી છે.

વોશિંગ્ટનની મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે ટેક્સાસથી જાસૂસી માહિતી મળ્યા પછી અધિકારીઓએ બપોરે 12.12 કલાકે મેસેચ્યુસેટ્સ એવન્યુના 3400 બ્લોકમાંથી એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી હતી. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે સેન એન્ટોનિયોના પોલ મુરે (31)ની પાસેના વાહનમાંથી ભારે માત્રા વિસ્ફોટક ઉપકરણ અને એક ખતરનાક હથિયાર, રાઇફલ અને ગોળા બારુદ રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

મુરે પર કેટલાય કેસો લગાડવામાં આવ્યા છે. એક ખતરનાક હથિયાર લઈ જવાના, એક રાઇફલ અથવા બંદૂક લઈ જવાના અને ગોળા-બારુદ રાખવાના કેસ લગાડવામાં આવ્યા છે. જોકે તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.