ખરાબ માનસિકતા છેઃ જયા બચ્ચન (ઉત્તરાખંડના CMને)

મુંબઈઃ ‘મહિલાઓ ફાટેલા જીન્સ પેન્ટ (રિપ્ડ જીન્સ) પહેરે છે, આ તે કેવા સંસ્કાર?’ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે કરેલા આ નિવેદને વિવાદ ઊભો કર્યો છે. સોશિયલ મિડિયા પર તો રાવતની આકરી ટીકા કરવામાં આવી રહી છે. હવે સમાજવાદી પાર્ટીનાં નેતા અને પીઢ બોલીવૂડ અભિનેત્રી જયા બચ્ચને પણ રાવતના નિવેદનની ટીકા કરી છે. જયાએ કહ્યું છે કે એક મુખ્યપ્રધાન હોવાને નાતે આવી વાતો કરવી એમને શોભતું નથી.

જયા બચ્ચને એએનઆઈ સમાચાર એજન્સીને કહ્યું કે, ‘ઊંચા પદ પર બેઠેલા લોકોએ સમજીવિચારીને જાહેર નિવેદન કરવું જોઈએ. આજના જમાનામાં તમે આ પ્રકારની વાતો કરો છો અને કોણ સંસ્કારી છે અને કોણ નથી એ શું તમે નક્કી કરશો?’