અમદાવાદ : વિશ્વની મહાસત્તા અને શક્તિશાળી લોકતાંત્રિક દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે પહેલી જ વાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. થોડી જ વારમાં, એટલે કે 11.15 વાગ્યે ટ્રમ્પ સાથેનું ‘એરફોર્સ વન’ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. આજે અને આવતીકાલ, એમ બે દિવસ (કુલ 36-કલાક માટે) પોતાના ભારત-રોકાણના આરંભ માટે ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતના અમદાવાદ શહેરને પસંદ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એમના પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, એમના પુત્રી ઈવાન્કા, જમાઈ જેરેડ કુશનર સહિત 12 સભ્યોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે.
વડા પ્રધાન મોદી એરપોર્ટ પર યુએસ પ્રમુખનું સ્વાગત કરવા માટે ખાસ દિલ્હીથી આવી પહોંચ્યા છે.
એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેમજ તેઓ એક સંક્ષિપ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે.
અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું કહેવું છે કે એરપોર્ટથી મોદી અને ટ્રમ્પ રોડશો કરીને પહેલા સાબરમતી આશ્રમ ખાતે જશે.
આશ્રમમાં તેઓ 15 મિનિટ માટે રોકાશે. એ દરમિયાન મોદી અને ટ્રમ્પ ‘હૃદય કુંજ’ નિહાળશે. હૃદય કુંજ આશ્રમના પરિસરનો એક ઓરડો છે જ્યાં ગાંધીજી અને એમના પત્ની કસ્તુરબા આઝાદીની ચળવળના સમય દરમિયાન (1918થી 1930 વચ્ચે 12 વર્ષ સુધી) રહ્યા હતા.
ટ્રમ્પને ગાંધીજી તથા એમની આત્મનિર્ભરતાના પ્રતીક સમાન ચરખાના મહત્ત્વ વિશે જણાવવામાં આવશે અને એમની ઈચ્છા થશે તો તેઓ ચરખો પણ ચલાવશે. આ કાર્યક્રમ 15 મિનિટ માટે સીમિત રખાયો છે.
મોદી ત્યારબાદ ટ્રમ્પને કોફી ટેબલ બુક તથા ગાંધીજીના 150 સુવિચાર ધરાવતું પુસ્તક ભેટ આપશે.
આશ્રમથી સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ) સુધી ટ્રમ્પ અને મોદી ફરી રોડશો કરશે. એમનો રોડશો ઈન્દિરા પૂલ પરથી પસાર થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે.
મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનો કાર્યક્રમ બપોરે 3 વાગ્યે સમાપ્ત થશે અને 3.30 વાગ્યે તેઓ આગરા જવા રવાના થશે.
ટ્રમ્પની અમદાવાદ મુલાકાત માટે રચવામાં આવેલા સુરક્ષા કવચના ભાગરૂપે શહેરભરમાં 33 નાયબ પોલીસ કમિશનરો, 75 સહાયક પોલીસ કમિશનરો, 300 પોલીસ ઈન્સ્પેક્ટરો, 1000 સબ-ઈન્સ્પેક્ટરો, 12,000 જવાનો, 2000 મહિલા પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની ત્રણ ટૂકડી અને ક્વિક રીસ્પોન્સ ટીમ્સની સાત ટૂકડીઓને પણ તહેનાત કરવામાં આવી છે. મોદી અને ટ્રમ્પના કાફલાની સાથે અનેક જગ્યાએ ચોક્કસ મોરચા સ્ક્વોડ્સ પણ તહેનાત કરવામાં આવી છે. હવાઈ દળ અને યૂએસ સીક્રેટ સર્વિસ અતિરિક્ત સુરક્ષા કવચ પૂરી પાડશે. પોલીસે એન્ટી-ડ્રોન સિસ્ટમ લાગુ કરી છે અને ડ્રોનનો ઉપયોગ ન કરવાની જાહેર જનતાને સલાહ આવી છે.
અમદાવાદમાં ત્રણેક કલાકના રોકાણ બાદ બપોરે ટ્રમ્પ અને એમનું પ્રતિનિધિમંડળ ઉત્તર પ્રદેશના આગરા ખાતે જવા રવાના થશે. ત્યાંથી તેઓ સાંજે નવી દિલ્હી પહોંચશે. અમદાવાદ ઉપરાંત આગરા અને નવી દિલ્હીમાં પણ સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
આ છે, ટ્રમ્પનો કાર્યક્રમઃ
- ૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭: વાગ્યે વોશિંગ્ટનથી રવાના.
- રાત્રે જર્મનીમાં સ્ટોપ ઓવર.
- ૨૪ ફેબ્રુઆરી સવારે 11.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન.
- અમદાવાદ એરપોર્ટથી 12.05 થી 12.15 વાગ્યે ગાંધી આશ્રમ જવા રવાના થશે.
- બપોરે ૧૨:૩૦ વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે ગાંધી આશ્રમ પહોંચશે.
- ગાંધી આશ્રમ ખાતે 15 મિનિટ રોકાણ બાદ મોટેરા સ્ટેડિયમ જશે.
- અંદાજીત 1.30 થી 1.40 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
- મોટેરા સ્ટેડિયમ પર સંબોધન.
- મોટેરા સ્ટેડિયમથી 2.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના.
- બપોરે ૩:૩૦ વાગ્યે આગ્રા જવા રવાના.
- સાંજે ૪:૫૫ વાગ્યે આગ્રા એરપોર્ટ પર આગમન.
- સાંજે ૫:૧૦ વાગ્યે તાજમહેલની મુલાકાત
- સાંજે ૬:૪૫ વાગ્યે દિલ્હી જવા રવાના.
- સાંજે ૭:૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આગમન.