કેવો હોય છે અમેરિકન રાષ્ટ્રપતિનો અભેદ્ય કોન્વોય?

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમ્યાન તેમની સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓની મંજૂરી વગર કોઈ ચકલુય ફરકી નહીં શકે. અમેરિકન રાષ્ટ્રપતિના કાફલામાં 13 વાહનો હશે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આધુનિક ટેકનીકથી સજ્જ બીસ્ટ કારમાં સવાર થશે.

અમેરિકન રાષ્ટ્રપતિના કાફલાની ખાસ વાતો:

અમેરિકન રાષ્ટ્રપતિના કાફલમાં સૌથી આગળ 9 વાઈક સવાર પોલીસકર્મી હોય છે, જે એન્ટી હાઈજેકિંગ ડ્રાઈવિંગમાં એક્સપર્ટ હોય છે. તેની પાછળ રૂટ કાર હોય છે જે સમગ્ર કાફલાનું નેતૃત્વ કરે છે.

ત્રીજા નંબર પર લીડ કાર એક એસયુવી હોય છે, જેમાં સુરક્ષાકર્મીઓ સવાર હોય છે. ત્યારપછી સ્પેયર કાર હોય છે, જે હુમલાખોરોને લલચાવવા માટે એકદમ રાષ્ટ્રપતિની કાર બીસ્ટ જેવી જ હોય છે. ત્યારપછી રાષ્ટ્રપતિની કાર બીસ્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિની કારમાં રાષ્ટ્રપતિની સાથે તેમનો એક ડુપ્લિકેટ પણ હાજર રહે છે.

રાષ્ટ્રપતિના કાફલામાં છઠ્ઠા નંબરની કારમાં સુરક્ષા માટે ક્લોઝ પ્રોટેક્શન ગ્રુપના જવાન હોય છે. જેની પાછળ વોટ ટાવર કાર હોય છે જેમાં રિમોટ કંટ્રોલ બોમ્બ અને હથિયારોને રોકવાની ક્ષમતા હોય છે. આઠમાં નંબરની કારમાં ન્યૂક્લિયર બટનની સાથે સેન્ય અધિકારી અને ડોક્ટર હોય છે.

નવમાં નંબરની કારમાં સિક્રેટ સર્વિસ કાઉન્ટર અસોલ્ટ ટીમના સભ્યો હોય છે. દસમાં નંબરની કારમાં અમેરિકન ન્યૂઝ સર્વિસ અને વ્હાઈટ હાઉસ મીડિયા ટીમ હોય છે. આ કાફલામાં એક કાર સેન્સર યૂનિટથી સજ્જ હોય છે, જે ન્યૂક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ હુમલા પર પ્રતિક્રિયા આપવમાં સક્ષમ હોય છે.

કાફલામાં છેલ્લી બે ગાડીઓમાં સુરક્ષાકર્મીઓની ટીમ હોય છે, જે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા આધુનિક હથિયારોથી સજ્જ હોય છે. મહત્વનું છે કે, ભારત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સાત સ્તરીય હશે, જેમાં રાષ્ટ્રપતિની નજીકનો સૌથી પ્રથમ કાફલો અમેરિકન સિક્રેટ સર્વિસનો હશે. ત્યારપછી બીજો કાફલો એસપીજી, ત્રીજો એનએસજી પછી ચેતક કમાન્ડોનું સુરક્ષા કવચ હશે.

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ તેના ભારત પ્રવાસ માટે વોશિગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે. અહીં એરપોર્ટ પર વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે. ત્યારપછી બંને નેતાઓ એક રોડશો કરતા કરતા સાબરમતી આશ્રમ પહોંચશે. ત્યારપછી મોટેરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે અને પછી રાષ્ટ્રપતિનો કાફલો દિલ્હી જવા રવાના થશે.