અમદાવાદઃ આ વર્ષે શ્રાવણ મહિને બેસવાને હજી તો એકાદ મહિના જેટલી વાર છે, ત્યારે જુગારીઓ સક્રિય થઈ ગયા છે. શહેરના દરિયાપુરમાં ચાલતા મનપસંદ જુગારધામ પર દરોડા પાડતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જિમખાનાની આડમાં જુગારધામ ધમધમતું હતું. આ જિમખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન લગભગ 172 જેટલા જુગારીઓને ઝડપી પકડી પાડવામાં આવ્યા છે. મનપસંદ જિમખાના દ્વારા અલગ-અલગ સાત બિલ્ડિંગમાં આ જુગારધામ ચલાવવામાં આવતું હતું. આ જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ચલવતો હતો. પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે. જુગારધામમાંથી રૂ. બે લાખ રોકડા અને 15 વાહનો મળી આવ્યાં છે.
ગુજરાતમાં આટલી મોટી રેડ અને આટલા મોટા માત્રામાં એકસાથે જુગારીઓ પકડાયા એવો પહેલો કેસ નોંધાશે. દરિયાપુરની વાઘજીપુરા પોળની અંદર જ જુગારધામ ચલાવવા માટે અલગ-અલગ સાતથી વધુ મકાન રાખેલાં છે. જે અલગ-અલગ મકાનમાં જુગારીઓ બેસાડી જુગાર રમાડવામાં આવતો હતો. જુગારીઓને કોઇન મારફતે જુગાર રમાડવામાં આવતો હતો.આ જુગારધામ ચલાવવા માટે અન્ય સાત લોકોની ભાગીદારી હોવાનું બહાર આવ્યું છે.
મનપસંદ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ઓફિસ બનાવીને તેમાં જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ચેરિટેબલ ટ્રસ્ટની બિલ્ડિંગમાં જુગારધામ ચાલતું હતું. વિદેશમાં જોવા મળતા કેસિનોની કેસ અને પત્તાથી જુગાર રમાતો હતો. દરોડા પડતાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.