કોરોનાની ત્રીજી લહેર પહેલાં સરકાર સંપૂર્ણ સજ્જઃ રૂપાણી

અમદાવાદઃ રાજ્યમાં કોરોના રોગચાળાની ત્રીજી લહેર આવે તો પણ બીજી લહેરની જેમ ઓક્સિજનની અછત નહીં સર્જાય. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી આગામી આયોજનરૂપે નવા-નવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ અને સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સરકાર આ વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યમાં 300 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે 175થી વધુ પ્લાન્ટ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે.

તેમણે બોટાદના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડામાં નવનિર્મિત PSA ઓક્સિજન  પ્લાન્ટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં મેડિકલ ઓક્સિજનની માગ 100 મેટ્રિક ટનની આસપાસ રહેતી હોય છે, પરંતુ કોરોનાની બીજી લહેરના પિક સમયે મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ 1200 મેટ્રિક ટન સુધી પહોંચી હતી. તેમણે ઉમેર્યું કે મેડિકલ ઓક્સિજનની આવી તીવ્ર માગ વચ્ચે પણ ગુજરાતની એક પણ હોસ્પિટલમાં કોઈ દર્દીનું મૃત્યું ઓક્સિજનના અભાવે થયું નથી. રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન થકી હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખ્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન વગર કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં આવી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવેલું આમ છતાં હજી પણ કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવી નથી.

ગુજરાતે કોરોનાની સ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી દેશને એક સફળ મોડલ પૂરું પાડ્યું છે. રાજ્યમાં આઠ લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.