હવામાન વિભાગની 10-જુલાઈથી ચોમાસું સક્રિય થવાની આગાહી  

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે, પણ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. વિભાગે 10 જુલાઈથી રાજ્યમાં ચોમાસું આગળ વધશે તેવી આગાહી કરી છે. આ ઉપરાંત વિભાગે 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે.

જોકે વરસાદ આવે ત્યારે, પણ હાલ રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. જેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે એ માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સાત જુલાઈથી ખેડૂતોને આઠને બદલે હવે 10 કલાક વીજળી મળી રહેશે.

રાજ્યમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર, બાગાયતી પાક હોય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર, કપાસ એમ મિશ્ર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 10થી 15 દિવસ પહેલાં જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.

રાજ્યમાં વરસાદ ખેંચાઈ જવાથી બનાસકાંઠાના પાલનપુરના ખેડૂતોની હાલત સૌથી કફોડી બની છે. કારણ કે આ તાલુકાના ખેડૂતોની ખેતી વરસાદ પર જ આધારિત છે અને ખેડૂતો હવે સિંચાઈ માટે નહેરમાંથી પાણી મળી રહે તેવી માગ કરી રહ્યા છે.