રાજ્યમાં ફરી જામશે ચોમાસુ, જાણો હવામાન વિભાગની આગાહી

ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ બાદ ચોમાસુ ક્યાંકને ક્યાંક નબળું પડતું જોવા મળી રહ્યું હતું. ત્યારે ફરી એક વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આજે રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાવવાની શક્યતા છે. આ ઉપરાંત આજે રાજ્યના બે જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.

રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસે શકે છે. આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી જ વડોદરામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ થયું હતું. તે સાથે જ અમદાવાદ શહેરમાં વહેલી સવારે તડકો અને બફારો અનુભવાયા બાદ સવારથી જ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અન્ય એક ઓફ શોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે. આ ત્રણ સિસ્ટમનો લાભ ગુજરાત રાજ્યને મળશે, તેથી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ક્યારેક ઓરેન્જ તો ક્યારેક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.