અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું બેસે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં 11થી 13 જૂન દરમિયાન નૈઋત્યનું ચોમાસુંનું બેસી જશે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂનના લો પ્રેશર સર્જાશે. 10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે. આ સ્થિતિને કારણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કેટલાક ભાગોમાં 11થી 13 જૂન દરમિયાન આગમન કરી શકે છે.
10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વરસાદ થશે. દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે, જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ
સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે બે કલાકમાં જ એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ચાર દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય પ્રદેશની સાથે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.