નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. તેઓ રાજ્યમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણ ઓટોમેટિક દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ સામેલ છે. કચ્છના માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટથી દરિયાઈ પાણીને પીવા લાયક પાણીમાં પરિવર્તિત કરવાના પ્લાન્ટનો તેઓ શિલાન્યાસ કરશે. દૈનિક ધોરણે 10 કરોડ લિટરની ક્ષમતાવાળા ડિસેલિનેશન પ્લાન્ટથી રાજ્યમાં નર્મદા ગ્રિડ, સૌની નેટવર્ક અને વેસ્ટ વોટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉપયોગમાં લેવામાં આવશે. દેશમાં પોસાય એવા જળ સ્રોતથી વાવણી માટે પણ જળસંગ્રહ મહત્ત્વનો બની રહેશે.
વડા પ્રધાન દિલ્હીથી 11:30 વાગ્યે કચ્છ આવવા રવાના થશે. બપોરે 1.30 કલાકે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે. અહીંથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. વડા પ્રધાન મોદી સાંજે 5.30 કલાકે સફેદ રણનો નજારો પણ માણશે.
વડા પ્રધાન મોદીની મુલાકાતને પગલે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યામાં રાખીને ભુજથી ધોરડો જતા માર્ગે પોલીસ ખડકી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કાળા ડુંગર સ્થાનકે પણ સુરક્ષા એજન્સીઓનો કાફલો પહોંચી ગયો છે. ધોરડોના સફેદ રણમાં કાર્યક્રમ માટે વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે. સુરક્ષાને લઈને રણમાં ચોતરફ પોલીસ, એસપીજી સહિતની સુરક્ષા-વ્યવસ્થા ગોઠવાવામાં આવી છે.