લોકપ્રિય ‘નિર્ભયા એંથમ’ નવા સ્વરૂપે રજૂ થયું

અમદાવાદઃ ‘આકાશમાં પણ છિદ્ર થઈ શકે છે જરા દિલથી એક પથ્થર તો ઉછાળી જુઓ’ – આ વાક્ય સાંભળીને અશક્ય શબ્દ પર અવિશ્વાસ આવી શકે. કોઈ પણ કામની શરૂઆતમાં એ કરવામાં કંટાળો આવે, પછી ધીમે-ધીમે એ કરવામાં મજા આવવા લાગે અને પછી એક સમય એવો પણ આવે કે એ કર્યા વિના ચેન ન પડે. આવું જ કોઈ અદભુત કાર્ય માત્ર 19 વર્ષની યુવતી વિશ્વા રાવલ કરી રહી છે.

થોડાં વર્ષ પહેલાં નિર્ભયાનો કેસ થયો ત્યારે સમગ્ર દેશ હચમચી ગયો હતો. વિશ્વાએ એના પિતાને પૂછ્યું કે દરેક પીડિતાનું નામ નિર્ભયા જ કેમ હોય છે? જ્યારે એને સમજાયું કે માત્ર નામ છુપાવવા માટે એને નિર્ભયા કહે છે ત્યારે એના મનમાં સવાલ ઉદભવ્યો કે નિર્ભયા તો નિર્ભય હોવી જોઈએ અને એના નારીશક્તિ માટેના વિચારોથી ‘નિર્ભયા એંથમ’નો જન્મ થયો.

માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા આ ગીતનો વ્યાપ ખૂબ વધ્યો. લાખો લોકો સુધી આ ગીત પહોંચ્યું. મયંક રાવલ્સ લાઇફ ડિઝાઇન સ્ટુડિયો પર રિલીઝ થયેલા આ ગીતની શબ્દ અને સ્વર રચના મયંક રાવલે કરી છે. શૂટિંગ અને એડિટિંગ કવિશ રાવલ અને વિશ્વા રાવલે કર્યું છે. સંગીત નીલ ભટ્ટે આપ્યું છે. અને મયંક રાવલ, નીલ ભટ્ટ, પાર્થ જોશી, વિશ્વા રાવલ, આયુશી પરમાર, વિધિ મિસ્ત્રી, ઇશિતા પરમારે એમાં અવાજ આપ્યો છે. ‘નિર્ભયા તું નિર્ભય નહીં હૈ. અબ તેરે ઇમ્તહાન કી ઘડી હે. જાગ શેરની, માગ શેરની, અધિકાર તેરા જગત સે’- જેવા શબ્દો અને ધૂન હૃદયની આરપાર નીકળી જાય છે.

11મી ડિસેમ્બરે આ ગીતની રિલીઝને એક વરસ પૂરું થયું ત્યારે વિશ્વાને વિચાર આવ્યો કે ‘નિર્ભયા એંથમ’ને નવા સ્વરૂપે રજૂ કરું. પ્રથમ ગીતમાં નારી પીડાય છે ત્યારે નારી એને નારીશક્તિ વિશે સમજાવી જાગ્રત કરે છે. આ ગીતમાં પીડિતાને પુરુષો મદદ કરે છે અને એને એ રીતે તૈયાર કરે છે કે એ પોતે અન્ય સ્ત્રીની મદદ કરે છે. આ કરવા પાછળનો ભાવ એવો હતો કે મોટા ભાગના પુરુષો સારા હોય છે. વળી નારીની રક્ષા કરવી એ પુરુષનો ધર્મ છે એવું આપણા શાસ્ત્રો પણ કહે છે. આ એક વરસના ગાળામાં વિશ્વા એ 30 ગીતોની રચના કરી. માત્ર ‘નિર્ભયા એંથમ’માં એની ટીમમાં 40થી વધારે માણસો જોડાયા છે.

લોકડાઉન દરમિયાન જ્યારે લોકો તન અને મનથી થાકી રહ્યા હતા ત્યારે વિશ્વાએ 25 ગીતોની રચના કરી. જેના વિષયો છે, ભારતીય સેના, પોલીસ, અમૂલ, સફાઇ કર્મચારીઓ, ડોક્ટર્સ વિગેરે. જે ઉંમરે વ્યક્તિ મોજશોખ પાછળ ભાગતી હોય ત્યારે પોતાના પૈસા આવા કોઈ સમાજોપયોગી કાર્યમાં વાપરવા એ બહુ મોટી વાત ગણાય. વિશ્વા સાથે જોડાયેલા મોટા ભાગના લોકોને એ મળી પણ નથી તો પણ એ લોકો વિના કોઈ અપેક્ષા આ ઝુંબેશમાં જોડાયા છે. પાંચ દેશોમાંથી 300થી વધારે વ્યક્તિઓ આ કાર્યમાં પ્રદાન આપી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]