PM મોદીની છ રાજ્યોને લાઇટ હાઉસની ભેટ  

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે છ રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. વડા પ્રધાન મોદી ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ ઇન્ડિયા (GHTC ઈન્ડિયા) હેઠળ છ રાજ્યોમાં આ કાર્યક્રમોની આધારશિલા રાખી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં 1144 આવાસ બનશે. કેન્દ્ર સરકારે હાઉસિંગ ફોર ઓલ બાય 2022 મિશન હાથ ધર્યું છે.

આ આવાસોનું નિર્માણ કેન્દ્ર સરકારના લાઇટ હાઉસ પ્રોજેક્ટ  અંતર્ગત કરવામાં આવશે. આ પ્રસંગે વડા પ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠતમ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કર્યા છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટમાં ઉપસ્થિત રહ્યા હતા.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, તેમાં ત્રિપુરા, ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ ઝારખંડ અને ગુજરાત છે. લાઈટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેર મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી યોજના છે.

આ પ્રોજેક્ટ હેઠળ સરકાર ગરીબ લોકોને સસ્તા, ભૂકંપપ્રૂફ અને મજબૂત મકાનો આપશે. આ ઘર ફ્રાન્સની ટેકનોલોજીથી બનશે જેના દ્વારા ઘર ઓછા સમયમાં બનશે અને લાંબા સમય સુધી ટકાવી શકાય એવા હશે. આવી જ રીતે ફિનલેન્ડ, અમેરિકા, ન્યુ ઝીલેન્ડ, જર્મની, કેનેડાની ટેકનોલોજીથી ઘર બનશે. એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્ર સરકાર રાજકોટ મનપાને પ્રતિ આવાસ રૂ.1.50 લાખ અને રાજ્ય સરકારે પ્રતિ આવાસ 1.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ ઉપરાંત ટેક્નોલોજીના ઉપયોગ માટે 4 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. રાજકોટમાં લાભાર્થીઓને રૂ. 3.50 લાખમાં ટૂ BHKનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા રૂ. 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે.