ભારતમાં ‘કોવિશીલ્ડ’ રસીને નિષ્ણાત સમિતિએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નિમેલી નિષ્ણાત સમિતિ (સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી)એ પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવવામાં આવેલી કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ઈમરજન્સી ઉપયોગને આજે મંજૂરી આપી દીધી છે. જોકે એ માટે અમુક શરતો રાખી છે. હવે આ રસીને દેશની ડ્રગ્સ રેગ્યૂલેટર એજન્સી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ને મોકલવામાં આવશે.

આ મંજૂરી ભારત સરકારની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એજન્સીના નિષ્ણાતોની સમિતિએ ‘કોવિશીલ્ડ’નો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સમિતિએ ઈમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશનની તરફેણમાં ભલામણ કરી છે. ભારત બાયોએનટેક અને ફાઈઝર કંપનીઓએ પણ એમણે બનાવેલી કોરોના વાઈરસની રસીઓ માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે.