અમદાવાદઃ આજે ઓલ ઇન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ભાજપશાસિત ગુજરાતમાં બંધને સફળ બનાવવા માટે વિપક્ષ કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અમરેલીમાં સ્કૂટર લઈને બંધ કરાવવા નીકળેલા રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અનેક શહેરોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
અમરેલીમાં પરેશ ધાનાણી અને કોંગ્રેસના સભ્યો એક કલાક સુધી વિવિધ બજારમાં ફર્યા હતા અને દુકાનદારોને દુકાનો બંધ રાખવા માટેની અપીલ કરી હતી. પોલીસ અને ધાનાણી વચ્ચે સંતાકૂકડી બાદ આખરે પોલીસે ધાનાણીની અટકાયત કરી લીધી હતી. આ સાથે કોંગ્રેસના અન્ય કાર્યકરોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. તમામને બાદમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
વડોદરા નેશનલ હાઇવે, અમદાવાદ-માળિયા સ્ટેટ હાઇવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર દેખાવકારોએ ટાયર સળગાવ્યા હતા અને ચક્કા-જામ કર્યું હતું. દહેગામનાં ભૂતપૂર્વ ધારાસભ્ય કામિની બાનીની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાન બોર્ડર બંધ કરાવવા જતાં અમીરગઢ પાસે કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની અટકાયત કરવામાં આવી છે.
