અમદાવાદઃ લોકડાઉન લાગુ કરાયું ત્યારથી લગભગ સુમસામ બનેલું શહેરનું રેલવે સ્ટેશન આજે વહેલી સવારે પ્રવાસીઓથી ધમધમતું હતું. કોરોના વાયરસની તીવ્રતાને ધ્યાનમાં રાખીને બંધ કરાયેલું અમદાવાદ રેલવે સ્ટેશન પરપ્રાંતિય શ્રમિકોને એમના વતન પાછા મોકલવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજગારી માટે આવેલા મજૂરો કોરોનાની મહામારી બાદ લૉકડાઉનમાં અટવાઈ પડ્યા હતા. સરકારે રેલવે, બસો જેવી સેવાઓ દ્વારા વતન પરત મોકલવાનું શરુ કરી દીધું છે. ઔદ્યોગિક વિસ્તારોમાં, રહેણાંક વિસ્તારમાંથી બસો દ્વારા શ્રમિકોને રેલવે સ્ટેશન પર પહોંચાડવામાં આવી રહ્યા છે.
બસોમાંથી રેલવે સ્ટેશન પર ઉતરતા શ્રમિકોના પરિવારજનોના સ્વાસ્થ્યને તપાસી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી રેલવે બોગી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
રેલવે અને બસો સાથે પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા હવે તેજ ગતિથી કરવામાં આવી રહી છે. પરંતુ …હજારોની સંખ્યામાં શહેરોમાં અટવાયેલા મજૂરો પોતાના ઘર તરફ જવા અધીરા બન્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
